દિવાળીના તહેવાર પર સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરો જો ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરે તો ભાડાના જ હજારો રૂપિયા ચૂકવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મુસાફરોનો ધસારો જોતા ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ તકનો લાભ લઈ મુસાફરોને ખંખેરવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદથી રાજકોટ જવા માટે સામાન્ય દિવસોમાં સ્લીપર બસનું 400થી 500 રૂપિયા ભાડું હોય છે તે હાલ 1200ને પાર કરી ગયું છે. જ્યારે સુરતથી તો સૌરાષ્ટ્રના ગમે તે જિલ્લામાં જાવ 1500 રૂપિયા ભાડું નક્કી કરી દેવાયું છે. એટલે કે જો ચાર લોકોનો પરિવાર વતનમાં દિવાળી કરવા જાય તો તેને રિટર્ન ભાડાના જ 10 થી 12 હજાર રૂપિયાની વ્યવસ્થા કરવી પડે તેમ છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ તો ત્યાં સુધી કહ્યું કે, હજી જેમ જેમ દિવાળી નજીક આવશે અને બુકીંગ વધશે તો ભાડા 2000 થી 2500 સુધી પણ પહોંચી શકે.
અમદાવાદ શહેરમાં અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા અનેક લોકો વસવાટ કરે છે. જે નોકરી, વ્યવસાય અને અભ્યાસ માટે આવી અમદાવાદને કર્મભૂમિ બનાવી દીધી છે. તેવા લોકો તમામ તહેવાર અમદાવાદમાં જ મનાવતા હોય છે. પરંતુ દિવાળી એ એક માત્ર એવો તહેવાર છે કે જે પરિવાર સાથે મનાવવા વતન જતા હોય છે. હવે દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોટાભાગના લોકો વતન જવા માટે બસનું બુકિંગ કરાવી રહ્યા છે. મુસાફરોનો ઘસારો વધતા ખાનગી બસ સંચાલકો ભાડામાં તોતિંગ વધારો કરી દીધો હોવાની ફરિયાદ ઉઠી હતી.
————————–





