16 ઑક્ટોબરથી ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયા માટે રવાના થઈ ચૂકી છે. રોહિત શર્માની આગેવાનીવાળી આ ટીમ 15 વર્ષ બાદ ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બનવાના સ્વપ્ન સાથે ઑસ્ટ્રેલિયા માટે નીકળી છે. 2007માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતે પહેલો ટી-20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદથી ટીમને બીજા વર્લ્ડકપનો ઈન્તેજાર છે.
ટીમ ઈન્ડિયા આજે વહેલી સવારે ઑસ્ટ્રેલિયા માટે રવાના થઈ છે. બીસીસીઆઈએ ભારતીય ટીમની ગ્રુપ તસવીર પણ શેયર કરી છે. આ ઉપરાંત ખેલાડીઓએ પણ પોતપોતાના ફોટો શેયર કર્યા છે. ભારતીય ટીમ સૌથી પહેલા પર્થ પહોંચશે અને ત્યાં એક સપ્તાહનો કેમ્પ થશે. આ પછી ટીમ બ્રિસ્બેન જશે જ્યાં બે પ્રેક્ટિસ મેચ રમશે.
પ્રેક્ટિસ મેચમાં ભારત સામે ગત ટી-20 વર્લ્ડકપ વિજેતા ઑસ્ટ્રેલિયા અને રનર્સઅપ ન્યુઝીલેન્ડ હશે. ટીમ 17 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા તો 19એ ન્યુઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમશે. ભારતીય ટીમ 14 ખેલાડીઓ સાથે ઑસ્ટ્રેલિયા માટે રવાના થઈ છે કેમ કે બીસીસીઆઈએ અત્યાર સુધી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. આ રેસમાં મોહમ્મદ શમી સૌથી આગળ માનવામાં આવી રહ્યો છે.






