ભાવનગર યુનિવર્સિટીમાં હાલમાં થયેલ એનરોલમેન્ટ ફી વધારો તેમજ સેલ્ફફાઇનાન્સ કોલેજાેના કોર્ષની ૨૦ ટકા ફી વધારાના વિરોધમાં આજે કુલપતિ ઓફીસમાં વિદ્યાર્થી યુનિયનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા એનએસયુઆઇ દ્વારા દેખાવો કરી રોષ ઠાલવ્યો હતો જેમાં એનએસયુઆઇના કાર્યકરોએ ઉશ્કેરાઇ જઇ કુલપતિ સમક્ષ બંગડીઓ તથા ખોટી નોટોના ઘા કરતા મામલો ગરમાયો હતો. જ્યારે એબીવીપીના આગેવાનોએ ફી વધારો પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી હતી.
તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા એનરોલમેન્ટ ફી વધારો તથા સેલ્ફફાઇનાન્સ કોલેજમાં ૨૦ ટકા ફી વધારો આપવામાં આવેલ છે જે નિર્ણયના વિરોધમાં આજે એબીવીપી તથા એનએસયુઆઇના આગેવાનો દ્વારા કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બન્ને યુનિયનના આગેવાનો કુલપતિ ચેમ્બરમાં એકસાથે ભેગા થઇ ગયા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી જેમાં એનએસયુઆઇના કાર્યકરોએ ઉશ્કેરાઇ જઇ ફી વધારો પાછો ખેંચી ન શકતા હોય તો હજુ ફી વધારો તેમ કહી ખીસ્સામાંથી ખોટી નોટો કાઢી કુલપતિ સામે ફેંકી હતી તેમજ બંગડીઓના ઘા કર્યાં હતાં. એનએસયુઆઇના આગેવાનો ગીરીરાજસિંહ વાળા, અભિજીતસિંહ, કૃષ્ણદેવસિંહ, યશપાલસિંહ તેમજ યુવક કોંગ્રેસના પ્રમુખ અલીભાઇ લાખાણી સહિતે ઉગ્ર રજૂઆત કરવા સાથે ફી વધારો અસહ્ય હોવાનું જણાવી તાત્કાલીક પાછો ખેંચવા માંગ કરી હતી. જ્યારે એબીવીપીના આગેવાનોએ પણ તાત્કાલીક અસરથી ફી વધારો પાછો ખેંચી લેવા માંગ કરેલ અને બે બે વખત બોલાવવામાં આવેલ ઇ.સી.ની ગંભીરતા સભ્યોએ લીધી નથી આથી વિદ્યાર્થીઓને અન્યાય થશે તો એબીવીપી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી યુનિ.ની રહેશે તેવી ચિમકી આપવામાં આવી હતી.
તસવીરો : મૌલિક સોની




