ભાવનગર,તા.14
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી કરવાની અંતિમ દિવસે આજે તા.૧૪ નવેમ્બર,૨૦૨૨ના રોજ બોટાદ જિલ્લામાં કુલ 28 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 42 ફોર્મ ભરવામાં આવ્યા છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, 107 બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં અંતિમ દિને 19 ઉમેદવાર દ્વારા 24 ફોર્મ અને અગાઉ 4 ઉમેદવાર દ્વારા ભરાયેલા 4 ફોર્મ મળી કુલ 23 ઉમેદવારો દ્વારા 28 ફોર્મ ભરવામાં આવ્યા છે. જ્યારે 106 ગઢડા વિધાનસભામાં અંતિમ દિને 9 ઉમેદવારો દ્વારા કુલ 14 ફોર્મ ભરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તા.17 નવેમ્બર,2022 જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આ તારીખે બપોરે 3 કલાક પહેલા પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે.




