પાકિસ્તાન સરકારના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર ભારતે રોક લગાવી છે. જ્યારે કોઈ પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને એક્સેસ કરવાનો પ્રયત્ન કરે છે તો લખીને આવે છે કે પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર લીગલ ડીમાન્ડના રિસ્પોન્સ બાદ ભારતમાં રોક છે.
અત્રે જણાવવાનું કે આવું ત્રીજીવાર થયું છે જ્યારે પાકિસ્તાનના ટ્વિટર એકાઉન્ટ પર ભારતમાં રોક લગાવવામાં આવી છે. આ અગાઉ વર્ષ 2022ના ઓક્ટોબર મહિનામાં પણ પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર રોક લગાવવામાં આવી હતી. તે પહેલા ગત વર્ષ જુલાઈમાં પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર રોક લાગી હતી. જો કે ત્યારબાદ તેને રિએક્ટિવેટ પણ કરાયું હતું અને ટ્વિટર એકાઉન્ટ વિઝિબલ થવા લાગ્યું હતું. ગત વર્ષ ઓગસ્ટમાં ભારતે 8 યુટ્યૂબ બેસ્ડ ન્યૂઝ ચેનલ્સ, જેમાંથી એક પાકિસ્તાનથી સંચાલિત હતી અને 1 ફેસબુક એકાઉન્ટને ફેક તથા ભારત વિરોધી કન્ટેન્ટ બદલ બ્લોક કર્યા હતા. આ ઉપરાંત ગત વર્ષ જૂનમાં ટ્વિટરે ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના પાકિસ્તાની દૂતાવાસના અધિકૃત ખાતાઓ ઉપર પણ પ્રતિબંધ લગાવ્યા હતા.
જો કે ભારતીય અધિકારીઓએ પાકિસ્તાન સરકારના અધિકૃત ટ્વિટર હેન્ડલ વિરુદ્ધ આ પગલું કેમ ભર્યું તે વિશે જાણકારી મળી શકી નથી. પણ ટ્વિટર ગાઈડલાન્સ મુજબ માઈક્રોબ્લોગિંગ સાઈટ કોર્ટના આદેશ જેવી કાયદેસર લીગલ ડિમાન્ડના રિપ્લાયમાં આવી કાર્યવાહી કરે છે. હાલ પાકિસ્તાન સરકારનું ટ્વિટર ફીડ’@Govtof Pakistan’ ને ભારતીય યૂઝર્સ જોઈ શકતા નથી.