ઈઝરાયેલે શુક્રવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન જૂથ હમાસ પર હવાઈ હુમલો કર્યો હતો. લેબનોન તરફથી છોડવામાં આવેલા રોકેટ બાદ ઈઝરાયેલ તરફથી આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ પવિત્ર રમઝાન મહિનામાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.
વાસ્તવમાં, બુધવારે ઇઝરાયલી પોલીસ અને પેલેસ્ટિનિયનો વચ્ચે જેરુસલેમની અલ-અક્સા મસ્જિદમાં અથડામણ જોવા મળી હતી, જે ઇસ્લામમાં ત્રીજુ સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. આ અથડામણ બાદ હમાસ તરફથી ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. એએફપીના અહેવાલ અનુસાર, ગુરુવારે ઇઝરાયેલી સેનાએ કહ્યું કે, લેબનોન તરફથી ઇઝરાયેલમાં 34 રોકેટ છોડવામાં આવ્યા હતા. જે બાદ ઈઝરાયેલે પણ આ જ પ્રકારે જવાબ આપ્યો હતો.
જણાવી દઈએ કે 2006માં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે 34 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. હિઝબુલ્લાહને લેબનોનનું કટ્ટરપંથી આતંકવાદી સંગઠન માનવામાં આવે છે. ગુરુવારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ મજબૂત સ્વરમાં દુશ્મનો સામે આક્રમકતા દર્શાવી હતી. નેતન્યાહુએ કહ્યું કે દુશ્મનને દરેક હુમલાની કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહુની આ જાહેરાત બાદ ગાઝા પટ્ટીમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા.
હમાસ વિરુદ્ધ હવાઈ હુમલા બાદ ઈઝરાયેલી સેના દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં સેનાએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં હમાસ દ્વારા સુરક્ષાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેના જવાબમાં આ હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલી સેનાએ હુમલામાં હમાસની બે ટનલ ઉડાવી દેવાનો અને હથિયાર બનાવતી બે કંપનીઓને નષ્ટ કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. હુમલા બાદ ગાઝા પટ્ટીમાં અનેક વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા પણ ઉડતા જોવા મળ્યા હતા.