ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભાવનગર શહેર જિલ્લાના ૧૮૩ કેન્દ્રો પર યોજાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જિલ્લા કલેકટરશ્રી ડી.કે. પારેખના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવાની રાહબરી હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને કોઈપણ અગવડતા ન પડે તે માટે શહેર જિલ્લામાં અસરકારક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ૫૫,૩૯૦ ઉમેદવારો નોંધાયા હતા.જે પૈકી ૧૭,૮૯૧ ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી.જ્યારે ૩૭,૪૯૯ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ઉમેદવારો કોઈપણ જાતની ગેરરીતિ વિના અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્ર દ્વારા સુચારુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.એટલું જ નહિ ઉમેદવારોને હેલ્પ લાઈન દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
એસ. ટી દ્વારા પણ પરીક્ષાર્થીઓની સરળતા અને સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી શકે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.એસ.ટી દ્વારા શનિવારે અને રવિવારે ભાવનગરથી અમદાવાદ ,રાજકોટ અને અમરેલી ખાતે વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.ભાવનગર શહેરના ૧૮૩ કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવતા ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લાના ૧૮૩ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૮૪૭ વર્ગખંડોમાં પરીક્ષાની કામગીરી કરવા કેન્દ્ર સંચાલક, ઇન્વિઝીલેટર અને સુપરવાઇઝર ઉપરાંત બોર્ડ પ્રતિનિધિ સહિત ૫૮૩૭ અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. સમગ્ર પરીક્ષા પ્રક્રીયાનું સીસીટીવી દ્વારા નિરીક્ષણ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
ભાવનગરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાર્થીઓ માટે પોલીસની સરાહનીય કામગીરી
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ની જુનિયર ક્લાર્ક (વહીવટી હિસાબ) ની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ રહી છે. ભાવનગર શહેર જિલ્લામાં આ લેખિત પરીક્ષામાં ઉમેદવારોને કોઈપણ જાતની સમસ્યા ઊભી ના થાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા ખુબ જ સંવેદનશીલતા દાખવી હતી.
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓ માટે કોલ લેટર માં પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો ફરજિયાત હોય છે તે સાથે ન હોય એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પરીક્ષાર્થીઓ ની મદદ આવ્યા હતા. ભાવનગરમાં મીનાબેન કાનાભાઈ આલગોતર કે જેઓ ગોતા અમદાવાદ થી ભાવનગર શહેરની સરકારી ઇજનેર કોલેજ વિદ્યા નગર ખાતે, મેહુલભાઈ છોટાભાઈ મેવાડા સાવરકુંડલા અમરેલી જિલ્લા થી ભાવનગરમાં ઘરશાળા સંસ્થા ખાતે તેમજ સહદેવ સિંહ તખુભા ગોહિલ વિરાટ નગર અમદાવાદ થી વડીયા કોલેજ ભાવનગર ખાતે પરીક્ષા આપવા હાજર રહેલા હતા. ઉમેદવારો માટેની સુચના અનુસાર તેમની પાસે પાસપોર્ટ સાઈઝનો ફોટો ના હોવાનું જાણવા મળતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેમને વાહનમાં તાત્કાલિક ફોટો સ્ટુડિયો લઈ જઈ ફોટો પડાવીને સમયસર પરીક્ષા આપવામાં મદદ કરી હતી.



