ભાવનગર,તા.21.4.23
ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવી રહેલ દબાણ હટાવની કાર્યવાહી અંતર્ગત કુંભારવાડા, મોતીતળાવ રોડ ઉપર ૪૫ મીટર રોડ પૈકીની જગ્યામાં તેમજ મહાનગરપાલિકાની જગ્યામાં મોટી સંખ્યામાં ઉભા થયેલા ગેરકાયદે દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.
આ અનુસંધાને આ વિસ્તારમાં આવેલ ૪૪ જેટલા રહેણાકિય તેમજ કોમર્શીયલ મિલકતોના દબાણકર્તાઓ દ્વારા મહાનગરપાલિકા દ્વારા થતી આ કાર્યવાહીને અટકાવવાના હેતુસર હાઇકોર્ટમાં સ્પેસીઅલ સીવીલ એપ્લીકેશન નં. ૭૦૮૮/૨૦૨૩ દાખલ કરવા આવેલ અને હાઇકોર્ટ સમક્ષ તા.૨૦/૪/૨૦૨૩ તથા તા.૨૧/૪/૨૦૨૩ ના રોજ તેની સુનાવણી હાથ ધરાયેલ. જેમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રજુ કરવામાં આવેલ સચોટ વિગતો અને આધાર પુરાવાઓને ધ્યાને લઈને હાઇકોર્ટ દ્વારા સદર કેસનો ભાવનગર મહાનગરપાલિકાની તરફેણમાં આજરોજ નિકાલ કરવામાં આવેલ છે તેમજ સ્થળે આવેલ રહેણાકિય મિલકતોમાં નોટીસ આપી ત્યારબાદ દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવા આદેશ કરેલ છે.
આમ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહેલ દબાણ હટાવની કામગીરીનો માર્ગ મોકળો થયેલ છે અને અવાંતર હેતુથી મહાનગરપાલિકાની દબાણ હટાવની કામગીરી અટકાવવાનો ઉક્ત પ્રયત્ન વિફળ જતાં સંબંધીત દબાણકર્તાઓનો આ કડક કાર્યવાહીથી બચવાનો પ્રયાસ નિષ્ફળ નીવડેલ છે. તેમજ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવની કામગીરી શરૂ રાખવામાં આવનાર છે તેમ મ્યુ.એસ્ટેટ ઓફિસરે વધુમાં ઉમેર્યું હતું