ભાવનગર,તા.29
શિક્ષિત બેરોજગારો અને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે દીવાદાંડી નું કામ કરનાર ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટ સંસ્થાની સેવાની સુવાસ વડાપ્રધાન મોદીની મન કી બાત કાર્યક્રમમાં ફેલાતા દેશભરમાં તેની તત્કાલીન સમયે નોંધ લેવાયેલ.
હવે મન કી બાત કાર્યક્રમને 100 એપિસોડ પૂર્ણ થતાં તેની ઉજવણીમાં વિકાસ વર્તુળ સંસ્થાને જોડાવા આમંત્રણ મળતા ભાવનગરથી ટ્રસ્ટીઓ ખાસ દિલ્હી પહોચ્યા છે, જયારે રવિવારે ગાંધીનગર સચિવાલય ખાતે રાજયપાલ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સાથે બેસીને 100માં એપિસોડનું પ્રસારણ પણ ટ્રસ્ટીઓ સાંભળશે.
ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા પ્રસાર ભારતી દ્વારા વડાપ્રધાનના ‘મન કી બાત’ ના ૧૦૦માં એપિસોડનું પ્રસારણ જે તા. 30 એપ્રિલ રવિવારના રોજ થવા જઇ રહ્યું છે તેની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય કોંકલેવનું આયોજન તાજેતરમાં ગત તા.૨૬ના રોજ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનભવન દિલ્હી ખાતે યોજાયેલ આ કોંકલેવમાં તા.૩-૧૦-૨૦૧૪ થી તા.૩૦-૦૪-૨૦૨૩ સુધીમાં યોજાયેલ મન કી બાતમાં વડાપ્રધાન દ્વારા જે પણ સંસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે સંસ્થાઓમાંથી ૧૦૦ જેટલી સંસ્થાઓમાં ભાવનગર સ્થિત વિકાસ વર્તુળ ટ્રસ્ટની પસંદગી પણ કરવામાં આવી હતી.
વડાપ્રધાને વિકાસ વર્તુળ ટ્રસ્ટની પ્રવૃત્તિનો તા.૨૫-૧૦-૨૦૨૦ના રોજ મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખ કરેલ અને સંસ્થાને પણ દિલ્હી ખાતે આવવાનું ખાસ આમંત્રણ મળતા ટ્રસ્ટના પ્રમુખ ડો. પ્રિયેશભાઇ પારેખ તથા માનદમંત્રી પરેશ જે. ત્રિવેદીએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય કોંકલેવમાં ખાસ હાજરી આપી હતી. દિલ્હી જતાં પહેતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિકાસ વર્તુળ ટ્રસ્ટના માનદમંત્રી પરેશભાઈ જે ત્રિવેદીનું ગાંધીનગર ખાતે મોમેન્ટો આપીને ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
દિલ્હી ખાતે ત્રણ દિવસની રાષ્ટ્રીય ઉજવણી બાદ રવિવારે, તા.૩૦ના રોજ ગુજરાતના રાજયપાલ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમને માણશે. તા.૩૦મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ મન કી બાતના ૧૦૦માં એપિસોડ પર પહોંચવા બદલ વિકાસ વર્તુળ ટ્રસ્ટ પરિવારે વડાપ્રધાનને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.