સદીના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન જેને હોસ્ટ કરે છે તે પ્રસિદ્ધ ટીવી સીરીયલ ‘કૌન બનેગા કરોડપતિ’માં ભાવનગરના યુવક હર્ષ શાહે ૧૨.૩૦ લાખની રકમ જીતી હતી. હર્ષ ૨૫ લાખના પ્રશ્ન સુધી પહોંચ્યો હતો પરંતુ કોન્ફિડન્સ ન હોવાના કારણે તેણે બાજી છોડી હતી. ભાવનગરનો વતની હર્ષ અમદાવાદ સ્થિત પીડીપીયુમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને સાથે તે સ્પર્ધાત્મક પરિક્ષાની પણ તૈયારી કરી રહ્યો છે.
હર્ષે જણાવ્યું હતું કે, કેબીસીમાં તેને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી ખુબ જ કામ આવી હતી અને તે ૧૨.૩૦ લાખની રકમ જીતી શક્યો હતો. હર્ષ ગુજરાતના ભાવનગરનો રહેવાસી છે. હર્ષે શેર કર્યું, “મારી માતા ઇચ્છતી હતી કે હું કેબીસીમાં ભાગ લઉં, અને આખરે મેં તેમની ઇચ્છા પૂરી કરી છે. મારા પિતાની હાર્ટ સર્જરી હોવાથી મારે મારા પિતાનો વ્યવસાય સંભાળવા રાજ્યની સિવિલ સર્વિસ છોડી દેવી પડી હતી. મારે મારા સપનાની જવાબદારીઓ ઉપાડવાની હતી.” રૂા.૩.૨૦ લાખના સવાલમાં હર્ષ બે લાઇફલાઇન વાપરી ચુક્યો હતો પરંતુ આત્મવિશ્વાસ સાથે આગળ ધપીને રૂા.૧૨.૩૦ લાખની રકમ જીતવામાં તે સફળ થયો હતો.