ભાવનગર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની સંયુક્ત કામગીરીમાં આજે શહેરની ડબગર શેરી, હજુરપાયગા રોડ તથા ખડપીઠમાં પંપીંગ સ્ટેશન પાછળના વિસ્તારમાંથી દબાણોનો સફાયો બોલાવાયો હતો. જ્યારે બીજી ટીમે રાજકોટ રોડ પર ચિત્રા માર્કેટીંગ યાર્ડની બહાર ઉભા રહેતા લારી ધારકો અને પાથરણાવાળાઓ સામે કાર્યવાહી કરી હતી.
મ્યુ. તંત્રના કાફલાએ આજે ડબગર શેરીમાં તેમજ હજુરપાયગા રોડ પર કાર્યવાહી કરી સપાટો બોલાવ્યો હતો. ખાસ કરીને હજુરપાયગા રોડ પર જાહેર રસ્તાને સમાંતર ગેરેજ સહિતના કેબીનો ખડકાયા હતા જે ટ્રાફિકને ભારે અડચણરૂપ બનેલ. શહેરભરમાં કાર્યવાહી થતા હજુરપાયગા રોડ પર તંત્રની આંખ ઠરતી ન હતી પરંતુ આખરે આજે હજુરપાયગા રોડ તંત્રની આંખે ચડતા આ વિસ્તારમાંથી ગેરકાયદે શેડ હટાવાયા હતાં. જ્યારે કેટલાક ઓટલા તોડી પાડવામાં આવ્યા હતાં. ખડપીઠમાં પંપીંગ સ્ટેશનની પાછળ માલ-સામાન અને કેબીન ખડકી રસ્તો બંધ કરી દેવાયો હતો જેના પર તંત્રએ આજે ઘોષ બોલાવી હતી. રાજકોટ રોડ પર ચિત્રા માર્કેટીંગ યાર્ડની બહાર લારી-પાથરણાવાળાઓ પણ તંત્રની ઝપટે ચડ્યા હતાં. બંને ટીમ દ્વારા આજની કાર્યવાહી દરમિયાન ૧૦ શેડ હટાવી ૧૧ કેબીન, ૧૩ લારી, ૧ કન્ટેનર, ૧ ઘોડો, ૧ બોર્ડ અને ૬ વજન કાંટા સહિતનો માલ-સામાન જપ્ત લેવાયો હતો.