ભાવનગર જિલ્લાના સિહોરમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂની નાની મોટી ૬૧૨ બોટલ ભરેલી કાર સાથે ટીમાણાના શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને સિહોર ડિલિવરી કરવા આવેલો શખ્સ પોલીસની નાઈટ ડ્રાઇવમાં ઝડપાઈ ગયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ૩૧ ડિસેમ્બરને અનુલક્ષીને દારૂની બદી ડામવા માટે જિલ્લા પોલીસવડા હર્ષદ પટેલ દ્વારા ગઈકાલે રાત્રીના સમયે ભાવનગર શહેર અને જિલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી. જે અંતર્ગત સિહોર પોલીસ સ્ટાફ સિહોરના ટાવર ચોક વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન ભાવનગર તરફથી આવી રહેલી સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કારને અટકાવી તપાસ કરતા કારની અંદર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી સાઈઝની ૬૧૩ બોટલ, કિં. રૂ. ૧,૬૭,૮૦૦ મળી આવી હતી.
સિહોર પોલીસે વિદેશી દારૂનો જથ્થો,સ્વીફ્ટ ડિઝાયર કાર તેમજ ૦૧ મોબાઈલ મળી કુલ રૂ. ૬,૭૨,૮૦૦ ના મુદ્દામાલ સાથે વિપુલ વાજસુરભાઈ ભોકળવા ( રહે. ટીમાણા તા. તળાજા ) ની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો તે ભાવનગરથી લાવ્યો હોવાનું અને સિહોરમાં ડિલિવરી કરવાનો હોવાનું જણાવતા સિહોર પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.