ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન દ્વારા ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે સોમવાર સાંજથી ક્રિસમસ કાર્નિવલ ‘ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલ’ નો રંગદર્શી માહોલમાં પ્રારંભ થયો છે, ઇનોગ્રેશનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ, પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, કલેક્ટર આર.કે. મહેતા, કમિશનર એન.વી. ઉપાધ્યાય, લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા, રંગોલી રિસોર્ટના અનિરૂદ્ધસિંહ ગોહિલ, ચેમ્બરના પૂર્વ પ્રમુખ સુનિલભાઇ વડોદરીયા, ભાજપ અગ્રણી ભરતસિંહ ગોહિલ, પૂર્વ મેયર મેહુલભાઇ વડોદરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. રંગારંગ ઇનોગ્રેશન સાથે ફુડ ફેસ્ટીવલ ખુલ્લો મુકાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ફુડ ફેસ્ટીવલનો આજે છેલ્લો દિવસ છે. ક્રિસમસ કાર્નિવલ અંતર્ગતે તા. ૨૫ અને આવતીકાલ તા.૨૬ ડિસેમ્બર ના રોજ ગુલિસ્તાં ગ્રાઉન્ડ ખાતે ફૂડ ફેસ્ટિવલ આયોજીત થયો છે, ભાવનગરમાં આ પ્રકારના ફૂડ ફેસ્ટિવલનું પ્રથમ વખત જ આયોજન થયું છે, જેને જબ્બર પ્રતિસાદ સાપડ્યો છે. ભાવનગરની સ્વાદપ્રીય જનતા વિવિધ વાનગીઓનો રસથાળ માણવા મોટી સંખ્યામાં પ્રથમ દિવસે ઉમટી પડેલ. ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ના પ્રમુખ કે.કે સરવૈયાએ જણાવ્યું હતું કે, ફુડ ફેસ્ટીવલને ભાવનગરના નગરજનો તરફથી જબ્બર પ્રતિસાદ સાપડ્યો છે. લાઇવ મ્યુઝિક અને બાળકો માટે વિવિધ ગેમ્સ ભાવનગરના નગરજનોને ખાસ પસંદ પડ્યું છે.
પ્રથમ દિવસે ફુડ ફેસ્ટીવલમાં અમદાવાદના પ્રખ્યાત સાન્વી તથા આર.જે તોષાલી તથા જુદા જુદા મ્યુઝિશનોએ રંગારંગ પ્રસ્તુતિ કરી હતી. આકર્ષીત ગ્રાઉન્ડ ડેકોરેશન તેમજ ચુસ્ત સિક્યુરીટીની વ્યવસ્થા સાથે ફુડ ફેસ્ટીવલે સ્વાદપ્રીય નગરજનોની વાહ વાહ લૂંટી હતી. ફુડ ફેસ્ટીવલને સફળ બનાવવા ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ના પ્રમુખ કૃષ્ણદેવસિંહ સરવૈયા (કે.કે., ઓનેસ્ટ રેસ્ટોરન્ટ), ઉપપ્રમુખ આનંદ ઠક્કર (ઇસ્કોન ક્લબ), સેક્રેટરી તુષાર જયસ્વાલ અને ખજાનચી દેવદત્ત કામદાર (શ્રીજી રેસ્ટોરન્ટ) સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
ફૂડ ફેસ્ટિવલમાં સંગીત જલસાનું વિશિષ્ટ આકર્ષણ
ફૂડ ફેસ્ટિવલને આકર્ષક બનાવવા આયોજક ટીમ દ્વારા છેલ્લા એક સપ્તાહથી જહેમત ઉઠાવવામાં આવી રહી છે, ભાવનગરમાં પ્રથમ વખત જ આયોજીત ફૂડ ફેસ્ટિવલને જબ્બર અને સફળ બનાવવા અનેકવિધ આયોજનો થયા છે મુલાકાતીઓ સંગીત જલસો માણી શકે તે માટે ખાસ આયોજન કરાયું છે જેમાં આજે ભાવનગરના સુદેશ પરમાર તથા અન્ય કલાકારો દ્વારા જમાવટ થશે.