ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અને કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું. આ તકે ભૂપેન્દ્રસિંહે કહ્યું હતું કે, અમે બન્નેએ બલૂન ઉડાડ્યાં તે બલૂન ઉપર જઈને એકસાથે થઈ ગયાં હતાં. તે સંકેત આપે છે કે ભાવનગરના વિકાસમાં અમે સાથે છીએ. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્ધોબોધન કરતા જણાવ્યું હતું કે, અમે સાથે દીપ પ્રાગટ્ય કર્યું હતું. બે બલૂન હતાં. જેમાં એક બલૂન મારા હાથમાં અને એક બલૂન શક્તિભાઈના હાથમાં હતું. અહિં તો અમે થોડા દૂર ઊભા હતા. પણ આ બન્ને બલૂન થોડા ઉપર જઈને એકસાથે થઈ ગયાં હતાં. તે સંકેત આપે છે કે ભાવનગરના વિકાસમાં અમે સાથે છીએ. બધા ફેસ્ટિવલમાં મંદી આવે પણ આ એક જ ફૂડ ફેસ્ટિવલ એવો જેમાં ક્યારે મંદી ના આવે, બધા વતી આ ફેસ્ટિવલ હરહંમેશાં તેજી રહે તેવી શુભેચ્છાઓ આપું છું.
સેવાના સાધનાના યજ્ઞમાં સૌને આવકારૂ છું- શક્તિસિંહ
કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ખૂબ આનંદની વાત છે કે ભાવનગરમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું છે. રાજકારણમાં વિચારધારા બધે અલગ અલગ હોય છે, આ એક પરંપરા છે જેમાં કોઈ દુશ્મનાવટ નથી. હું તો બધાને આમંત્રણ આપું છું કે, સત્તા પડાવવા નહીં પણ સેવાની સાધનાનો આ યજ્ઞ છે જેમાં પેજ પ્રેસિડેન્ટ હોય, પેજ પ્રમુખ હોય કે નાનો કાર્યકર હોય તે પણ આવે તો એને આવકારું છું.