નવસારી જિલ્લામાં હત્યાનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. નવસારી જિલ્લાના અબ્રામા ગામે મિત્રએ હત્યા કરી યુવકનો મૃતદેહ દાટી દીધો હતો, જો કે હત્યાનો ભેદ ઉકેલાતા પોલીસે 25 દિવસ બાદ મૃતદેહને બહાર કાઢ્યો છે.
નવસારી જિલ્લાના અબ્રામા ગામનો યુવાન મોહમ્મદ નિસાર કાપડિયા 25 દિવસ પેહલા ગુમ થયો હતો. યુવાન દીકરો ગુમ થતાં પરિવારે જલાલપોર પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં નજીકના મિત્રએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જો કે સાચું કારણ હજી સામે આવ્યું નથી. આ કેસમાં જલાલપોર પોલીસે ત્રણ યુવકોની અટકાયત કરી છે અને જ્યાં મૃતદેહ દાટ્યો હતો ત્યાં ડીવાયએસપી, એસડીએમ, ડોકટર અને પરિજનોની હાજરીમાં ખોદકામ કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
			
                                
                                



