ચેન્નાઈની એક સરકારી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલમાં દર્દીના પુત્રે ડૉક્ટર પર છરી વડે હુમલો કરી દીધો હતો. ગંભીર હુમલા બાદ નાજુક હાલતમાં ડોક્ટરની સારવાર ચાલી રહી છે. ચે
ન્નાઈ પોલીસના જણાવ્યા મુજબ ડૉક્ટર પર હુમલો કરનાર ચેન્નઈના વ્યક્તિનું નામ વિગ્નેશ છે. કલૈગનાર સેંટેનરી હોસ્પિટલના કેન્સર વોર્ડમાં તેની માતા દાખલ હતી. ડો.બાલાજી પણ આ જ વોર્ડમાં પોતાની સેવા આપી રહ્યા હતા. બુધવારે તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વિગ્નેશે આવીને તેમના પર છરી વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે એક પછી એક તેમની ઉપર 7થી વધુ ઘા માર્યા હતા.
હુમલા બાદ આરોપી યુવક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ હોસ્પિટલ સ્ટાફે તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકે પોલીસને જણાવ્યું હતું કે, ડોક્ટરે તેની કેન્સરગ્રસ્ત માતા માટે ખોટી દવા લખી હતી. તે ખાધા પછી માતાની તબિયત બગડી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પોતે ડૉક્ટર પાસે દર્દી બનીને ગયો હતો.