ભાવનગર શહેરમાં ટ્રાફિક પોલીસના સહાયક ટી.આર.બીના બે જવાનનો આર્થિક તોડ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે અને આ અંગે ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. બીજી બાજુ સત્તાવાર રીતે હજુ કોઈ નિવેદન સામે આવ્યું નથી.
સૂત્રોથી પ્રાપ્ત વિગત મુજબ ગારીયાધાર તાલુકામાંથી આવેલ એક દલીત બાઈક ચાલકને ગાડી ડીટેઇન કરવાના નામે 8થી 10 હજારનો દંડ થશે તેવી બીક બતાવી રૂ. 400ની રોકડી કરી ટીઆરબી જવાન ખીસ્સા ગરમ કરતો હોવાનો વાર્તાલાપ સાથે ત્રાદ્રશ્ય વિડિયો હાલ ભારે વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં એક ટી.આર.બી જવાન સોદો પાડે છે અને અને બીજો જવાન રોકડી કરતો હોવાનું તેમજ પોલીસ કોન્સ્ટેબલ મોટર સાયકલ પર બેસી નેતૃત્વ કરી રહ્યો હોય તેમ જણાય છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ વાયરલ વિડીયો ગત તા. 11- 11- 2024 ના રોજ નીલમબાગ સર્કલ પાસેનો હોવાનું કહેવાય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ગાડી ડીટેઇન કરવાનું કહીને બાદ માં 400 રૂપિયા આપીને સેટલમેન્ટ પાડ્યું હતું. સમગ્ર ઘટના અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે હડકંપ મચ્યો છે. તોડ કરનાર ટી.આર.બી જવાન અને એક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ભોગ બનનાર ગારિયાધારના મનુભાઈ શિંગાળા દ્વારા પોલીસમાં રજુઆત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ તપાસના અંતે વાયરલ વીડિયોમાં સાચું શું..? તે બહાર આવશે તેમ માનવું રહ્યું.!