બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે કહ્યું છે કે જો પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો સંમતિથી સેક્સ કરનાર વ્યક્તિ સામે પણ બળાત્કારનો કેસ નોંધી શકાય છે. આ કેસમાં હાઈકોર્ટે સજા યથાવત રાખી છે. દોષિતની દલીલ એવી હતી કે પીડિતા સાથેના શારીરિક સંબંધો સહમતિથી બનાવવામાં આવ્યા હતા અને તે સમયે તે તેની પત્ની હતી. એવામાં તેને બળાત્કાર ન કહી શકાય.
જસ્ટિસ ગોવિંદ સનપની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. 12 નવેમ્બરે જારી કરવામાં આવેલા આદેશમાં જજે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાને ધ્યાનમાં રાખીને, એ વાત સ્વીકારી ન શકાય કે અરજદાર પીડિત પત્ની સાથે સંબંધ બાંધે એ બળાત્કાર અથવા યૌન હિંસા નહીં માનવામાં આવે.
અહીં એ નોંધવું જરૂરી છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે યૌન સંબંધ બાંધવા એ બળાત્કાર છે, પછી ભલે તે પરિણીત હોય કે ન હોય.’ કોર્ટે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને, હાલના કેસમાં પત્ની સાથે સહમતિથી સેક્સની બચાવની દલીલ સ્વીકારી શકાય નહીં. જો એવું માની પણ લેવામાં આવે કે બંને વચ્ચે કહેવાતા લગ્ન થયા હતા, તો પણ પીડિતાએ કરેલા આક્ષેપોને ધ્યાનમાં રાખીને કે શારીરિક સંબંધ તેની સંમતિ વિના બંધાયો હતો, તેને પણ બળાત્કાર માનવામાં આવશે.’
9 સપ્ટેમ્બર, 2021 ના રોજ, વર્ધા જિલ્લાની ટ્રાયલ કોર્ટે યુવકને POCSO એક્ટ હેઠળ દોષિત જાહેર કર્યો હતો. હવે તેણે આ આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. સગીર યુવતીની ફરિયાદ બાદ 25 મે 2019ના રોજ અરજદારની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે તે સમયે યુવતી 31 અઠવાડિયાની ગર્ભવતી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને અરજદારે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને લગ્નનું ખોટું વચન આપીને તેને ચાલુ રાખ્યા હતા.