અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટિનમ અપાર્ટમેન્ટમાં શુક્રવારે મોડી રાત્રે ઈલેક્ટ્રોનિક ડકમા આગ લાગી હતી. બિલ્ડિંગના 8માં માળેથી શરૂ થયેલી આગ 22માં માળ સુધી ફેલાતાં નાસભાગ મચી હતી. એક મહિલાનું મોત થયું છે. આ ઘટનામાં 200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી. જેમાંથી 15 જેટલાં લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી.
ઘટનાસ્થળે ફાયરની 13થી વધુ ગાડી તથા 15 જેટલી એમ્બ્યુલન્સ પહોંચી હતી. રાત્રે દોઢ વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવાયો હતો. પ્રારંભિક અહેવાલ અનુસાર ઈલેક્ટ્રિક ડકમા શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
રહેણાક બિલ્ડિંગ હોવાથી 200થી વધુ લોકો ફસાયા હતા. જેના પગલે ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર તેમજ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 50થી વધુ ફાયર જવાનોનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બિલ્ડિંગમાં ફસાયાલે લોકોને સહી સલામત રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર વિભાગની ભારે જહેમત બાદ બોપલના ઇસ્કોન પ્લેટિનિયમ ફ્લેટમાં લાગેલી આગ કાબુમાં આવી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, આઠમાં માળે ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગી હતી. જેમાં આગ ધીમે-ધીમે પ્રસરીને 21માં માળ સુધી પહોંચી ગઈ હતી. આઠમાં માળની ઈલેક્ટ્રીક ડકની આગે 1 અને 4 નંબરના ફ્લેટને ઝપેટમાં લઈ લીધા હતાં. જે આગ વધુ ભિષળ બનતા આઠમાં માળથી 21માં માળ સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 17માં માળનો એક ફ્લેટનો તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો છે. સાથે જ બે લોકોને ઇજા પહોંચતાં 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.