દિલ્હીમાં છેલ્લા 6 દિવસથી પ્રદૂષણ ખૂબ જ ભયજનક સ્તરે છે. સોમવારે સવારે દિલ્હીનો સરેરાશ AQI 481 નોંધાયો હતો. અશોક વિહાર અને બવાના વિસ્તારોમાં AQI 495 નોંધવામાં આવ્યો હતો.
પ્રદૂષણના કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ધુમ્મસ છવાઈ ગયું છે. પાલમ સહિત કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટીને 150 મીટર થઈ ગઈ છે. જેના કારણે ફ્લાઈટને અસર થઈ છે. સોમવારે સવારે ઈન્ડિગો અને સ્પાઈસ જેટના વિમાનોએ 1 કલાક મોડા ઉડાન ભરી હતી.
વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ 18 નવેમ્બર, 2024ના રોજ સવારે 8 વાગ્યાથી દિલ્હી-NCRમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ચોથા તબક્કાને અમલમાં મૂક્યો છે. આ અંતર્ગત આગામી આદેશો સુધી તમામ પ્રતિબંધો ચાલુ રહેશે. તેમજ ધોરણ 9 સુધીની સ્કૂલોને ઓનલાઈન વર્ગો ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. 10મા-12મા ધોરણના બાળકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. બીજી તરફ હરિયાણાના 5 જિલ્લામાં પ્રાથમિક સ્કૂલો બંધ કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. 14 જિલ્લાઓમાં GRAP-4 પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા છે.