પાટણમાં મેડિકલ કૉલેજના વિદ્યાર્થીના મોત મામલે 15 સિનિયર સ્ટુડનન્ટ્સને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રેગિંગ કમિટિનો પ્રાથમિક રિપોર્ટ સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ તરફ ધારપુર મેડિકલ કૉલેજમાં ABVP તરફથી ભારે વિરોધ દર્શાવાયો. મોડીરાતે વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.
પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ડૉ.જયેશ પંચાલે જણાવ્યું હતું કે, શરીરમાં ઇન્ટર્નલ ઇન્જરી થવાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે. સ્પષ્ટ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે..
આ ઘટનામાં 15 સિનિયર સ્ટુડનન્ટ્સને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને આશરે સાડા ત્રણેક સતત ઉભા રાખી ગીતો ગવડાવી અને ડાન્સ કરાવી તથા ગાળો બોલી રૂમની બહાર ન જ વા દઇ માહોલની મજા લઈ માનસિક તથા શારીરીક ટોચેર કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક અનિલ મેથાણિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. અને એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો.
અશ્લીલ ડાન્સ કરવા અને 10 ગાળો બોલવા દબાણ કર્યું હતુ
પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગ પછી વિદ્યાર્થીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મુજબ સિનિયર વિદ્યાર્થીઓએ મૃતક વિદ્યાર્થીને અશ્લીલ ડાન્સ કરવા અને 10 ગાળો બોલવા દબાણ કર્યું હતુ. અને ડાન્સ નહીં કરે તો ચમચી-ચમચીએ ડોલ ભરાવડાવીશું તેવી ધમકી આપી હતી.