ન્યૂયોર્ક નજીક એટલાન્ટિક મહાસાગર ઉપર ઉડતું એક કોમર્શિયલ પ્લેન એક રહસ્યમય હવાઈ પદાર્થ સાથે અથડામણમાં થોડી વાર ચૂકી ગયું છે. પેન્ટાગોનના લેટેસ્ટ યુએફઓ (અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ) રિપોર્ટમાં આ ઘટના સામે આવી છે. અહેવાલમાં છેલ્લા એક વર્ષમાં 757 અજાણી હવાઈ ઘટનાઓની વિગતો આપવામાં આવી છે.
એક અહેવાલ મુજબ પ્લેનના ક્રૂએ “એક નળાકાર પદાર્થ સાથે અથડામણની માહિતી આપી હતી.”આ ઘટના ન્યૂયોર્કના દરિયાકિનારે બની હતી, જેની જાણ તેઓએ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ને કરી હતી. જો કે, ઘટનાની ચોક્કસ તારીખ અને એરલાઇનનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
પેન્ટાગોનની ઓલ-ડોમેન અનોમલી રિઝોલ્યુશન ઓફિસ (એએઆરઓ) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે. આ એકમાત્ર એવો કિસ્સો છે કે જેમાં આવી સંભવિત અથડામણને લઈને ફ્લાઇટની સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્લેન એક વસ્તુના નજીકથી સંપર્કમાં આવ્યું હતું જે આકારમાં નળાકાર દેખાતું હતું. આ શું હતું તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
રિપોર્ટમાં કુલ 757 અજાણી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી લગભગ 300 ઘટનાઓનો ખુલાસો કરવામાં આવ્યો છે. ઘણી અજાણી વસ્તુઓને ફુગ્ગા, પક્ષીઓ, વિમાન, ડ્રોન અથવા ઉપગ્રહ તરીકે ઓળખવામાં આવી છે. એવી 272 ઘટનાઓ હતી જે અગાઉ નોંધવામાં આવી ન હતી, પરંતુ 1 મે, 2023 અને 1 જૂન, 2024 વચ્ચે નોંધવામાં આવી હતી. નક્કર માહિતીનો અભાવ હોવાથી અન્ય ઘણી ઘટનાઓ સમજાવી શકાઈ નથી. સાક્ષીઓએ વારંવાર ગોળાકાર, ગોળા જેવી અથવા ચમકતી વસ્તુઓ જોવાની જાણ કરી હતી. એક વ્યક્તિએ ફ્લાઇટ દરમિયાન “ફ્લેશિંગ લાઇટ્સ સાથે જેલીફિશ આકારની વસ્તુ” જોઈ હોવાનો દાવો કર્યો હતો.
AAROએ જણાવ્યું હતું કે લોકો ઘણી વખત એલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ ચેઇનને UFOs સમજવાની ભૂલ કરે છે. રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે “અત્યાર સુધી AAROને એલિયન એક્ટિવિટી, ટેક્નોલોજી કે જીવનના કોઈ પુરાવા મળ્યા નથી.”