દેશના પાટનગર દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી બગડતી સ્થિતિને કારણે લોકોનું ઝેરી હવા વચ્ચે શ્વાસ લેવાનું મુશ્કેલ બની ગયું છે. દિલ્હીમાં સ્કૂલ-કોલેજ આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યા છે.
દિલ્હીનો દૈનિક હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સતત છ દિવસથી ‘ગંભીર’ શ્રેણીમાં રહ્યો છે. 13 નવેમ્બરે, તે 414 હતો અને નવેમ્બર 18 (સોમવારે), તે વધીને 494 (ગંભીર+) થયો, જે શહેરના 3.3 કરોડ રહેવાસીઓ માટે ગંભીર સ્વાસ્થ્ય જોખમ ઊભું કરે છે. દિલ્હીની ઝેરી હવાને જોતા જાણકારોની સાથે ડૉક્ટરે લોકોને બહારની ગતિવિધિને સિમિત કરવા, બહાર જવા પર માસ્ક પહેરવા, શરીરમાં પુરતા તરલ પ્રદાર્થ લેવા અને ઘરની અંદર HEPA ફિલ્ટર ધરાવતા એર Purifiersનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર દિલ્હીના કેટલાક વિસ્તારમાં વાયુ ગુણવત્તા સૂચકાંક ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે જેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દેશમાં કડકડતી ઠંડ હજુ ચાલુ પણ થઇ નથી પરંતુ વધતા વાયુ પ્રદૂષણને કારણે દિલ્હીની હવા ઝેરી હોવાને કારણે ધુમ્મસ અત્યારથી જ છવાઇ ગયું છે.
દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને લઇને અજરબૈજાનના પાટનગર બાકૂમાં પર્યાવરણને લઇને આયોજિત COP29 સમિટમાં દિલ્હીની ઝેરી હવા પર લાંબી ચર્ચા કરવામાં આવી હતી. પર્યાવરણના જાણકારોએ પ્રદૂષણ પર માત્ર ચિંતા જ વ્યક્ત ન કરી હતી પરંતુ પ્રયાસોને લઇને પણ વાત કરી હતી અને ભારત માટે હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી. COP29ની બેઠકમાં જાણકારોએ ભારત અલ્પજીવી આબોહવા પ્રદૂષકો જેવા મીથેન અને બ્લેક કાર્બનને ઓછું કરવાની અપીલ કરી છે. અલ્પજીવી જળવાયુ પ્રદૂષકોને વાયુ ગુણવત્તામાં ઘટાડા અને ગ્લોબલ વોર્મિંગ બન્ને માટે મુખ્ય રીતે જવાબદાર માનવામાં આવે છે.