કર્ણાટકના ઉડુપી જિલ્લાના કરકલા તાલુકામાં કબ્બીનાલા ગામમાં સોમવાર રાત્રે નક્સલ વિરોધી દળ (ANF) અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં કુખ્યાત નક્સલી નેતા વિક્રમ ગૌડા ઠાર મરાયો છે. અથડામણ સીતામ્બેલુ વિસ્તારમાં ચલાવવામાં આવતા નક્સલ વિરોધી તપાસ અભિયાન દરમિયાન થઇ હતી જ્યારે નક્સલીઓ અને ANFની ટીમ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. ANF ટીમે આ અભિયાન એક નક્સલીઓના જૂથની શંકાસ્પદ ગતિવિધિની જાણકારી મળ્યા બાદ શરૂ કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, ચિકમંગલૂર જિલ્લાના જયાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નક્સલીઓના ગ્રુપે અંતરિયાળ ઘરની મુલાકાત લીધી હતી. તે બાદ તેમને કોપ્પા તાલુકાના યેદાગુંડા ગામમાં પણ ઘૂસણખોરી કરી હતી જ્યાં નક્સલીઓએ વન અતિક્રમણ અને કસ્તુરીરંગન રિપોર્ટ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ રિપોર્ટ્સને ધ્યાનમાં રાખતા વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સોમવારની રાત્રે પાંચ નક્સલીઓનું એક ગ્રુપ કબ્બીનાલા ગામમાં કરિયાણાનો સામાન ખરીદવા માટે ઘુસ્યુ હતું. જેવા જ તે ગામમાં ઘુસ્યા ANF ટીમ સાથે અથડામણ શરૂ થઇ હતી. ગોળીબાર દરમિયાન નક્સલી નેતા વિક્રમ ગૌડા ઠાર મરાયો હતો જ્યારે બાકી નક્સલી ફરાર થવામાં સફળ રહ્યાં હતા.
વિક્રમ ગૌડાનું નામ કર્ણાટકમાં સક્રિય નક્સલ નેતાઓમાં મુખ્ય હતું. તે વિસ્તારમાં કેટલીક હિંસક ઘટનામાં સામેલ રહ્યો હતો. ANF અને પોલીસની કાર્યવાહીમાં સફળતા મળતા જ વિસ્તારમાં નક્સલ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે અને તપાસ અભિયાન ચાલુ છે.