કેન્દ્ર સરકારે દિવાળીના તહેવાર પહેલાં ખેડૂતોને મોટી રાહત આપતાં રવિ પાકોના લઘુત્તમ ટેકાના
ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. બુધવારના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે 6 મુખ્ય રવિ પાકો માટે
MSP વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં ઘઉંની MSP 6.59% વધારીને ₹2,585 પ્રતિ ક્વિન્ટલ
કરવામાં આવી છે, જે ગયા વર્ષના ₹2,425 પ્રતિ ક્વિન્ટલના ભાવ કરતાં ₹160 નો વધારો દર્શાવે છે.
આ નિર્ણય કૃષિ ખર્ચ અને કિંમત આયોગ (CACP) ની ભલામણો પર આધારિત છે. આ ઉપરાંત,
સરકારે કઠોળ અને તેલીબિયાંના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે ₹11,440 કરોડના એક મહત્ત્વપૂર્ણ
પેકેજની પણ જાહેરાત કરી છે, જે આગામી 6 વર્ષ સુધી ચાલશે અને કઠોળના ઉત્પાદનને વાર્ષિક 35
મિલિયન મેટ્રિક ટન સુધી લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે.
ઘઉં સહિત 6 રવિ પાકોની MSP માં વધારો અને લક્ષ્યાંકિત ઉત્પાદન
કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણય મુજબ, રવિ સિઝનના મુખ્ય પાક ઘઉંની MSP માં 6.59% નો વધારો
કરીને 2026-27 સિઝન માટે ₹2,585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. ઘઉંની વાવણી સામાન્ય
રીતે ઓક્ટોબરના અંતમાં શરૂ થાય છે અને લણણી માર્ચમાં થાય છે.અન્ય રવિ પાકોની MSP માં જવ:
₹2,150 પ્રતિ ક્વિન્ટલ, ચણા: ₹5,875 પ્રતિ ક્વિન્ટલ, સરસવ: ₹6,200 પ્રતિ ક્વિન્ટલ વધારો કરાયો
છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ MSP વધારાના પગલે 2026-27 ની રવિ સિઝન
દરમિયાન અંદાજિત 297 લાખ મેટ્રિક ટન ની ખરીદી થશે અને ખેડૂતોને કુલ ₹84,263 કરોડ ની રકમ
ચૂકવવામાં આવશે. સરકારે 2025-26 પાક વર્ષ (જુલાઈ-જૂન) માટે 119 મિલિયન ટન ઘઉં ઉત્પાદનનો
લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે, જે 2024-25 ના અંદાજિત 117.5 મિલિયન ટન ના રેકોર્ડ ઉત્પાદન કરતાં
વધુ છે.
કઠોળ અને તેલીબિયાંના પ્રોત્સાહન માટે વિશેષ પેકેજ
કેન્દ્ર સરકાર કઠોળ અને તેલીબિયાંના વાવેતરને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે,
જેને ધ્યાનમાં રાખીને ₹11,440 કરોડના પેકેજને મંજૂરી આપવામાં આવી છે. આ 6 વર્ષીય મિશનનો
મુખ્ય ઉદ્દેશ કઠોળનું વાર્ષિક ઉત્પાદન વધારીને 35 મિલિયન મેટ્રિક ટન સુધી લઈ જવાનો છે. આ
યોજના હેઠળ તુવેર, અડદ અને મસૂર દાળની 100% ખરીદીની ખાતરી આપવામાં આવશે. આ પગલાં
માત્ર ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે નહીં, પરંતુ દેશને કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનમાં
આત્મનિર્ભર બનાવવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ સમગ્ર પેકેજ ખેડૂત ભાઈઓની મહેનત
પાછળ જશે અને કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિને પ્રોત્સાહિત કરશે.





