ભાવનગર શહેરમાં ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા જનહિત અર્થે એક વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા રંગ ભુવન ખાતે યોજાયેલા આ કેમ્પમાં સ્થાનિક રહીશો માટે આયુષ્માન કાર્ડ, વય વંદના કાર્ડ તેમજ આભા કાર્ડ કાઢી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર કેમ્પનું આયોજન રંગ ભુવનના ટ્રસ્ટી વસંતભાઈ જોશીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રેન્ડ્સ ક્લબના સભ્યો પ્રમોદ પંડ્યા અને ભાવેશ પંડ્યાએ ભારે જહેમત ઉઠાવી સક્રિય સહયોગ આપ્યો હતો. આ સાથે જ જયદેવસિંહ સરવૈયા અને તેમની ટીમે પણ કેમ્પને સફળ બનાવવા માટે પ્રશંસનીય સેવાઓ આપી હતી. સરકારી સ્વાસ્થ્ય યોજનાઓનો લાભ લોકો સુધી સરળતાથી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પનો વિસ્તારના ૧૫૦થી વધુ પરિવારોએ ઉત્સાહભેર લાભ લીધો હતો અને સંસ્થાના આ સરાહનીય કાર્યને બિરદાવ્યું હતું.




