ભાવનગર,તા. 24
તાજેતરમાં ગુજરાત રાજ્યની ચુંટણીમાં ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં ભવ્ય લીડથી વિજયને વરેલા કદાવર નેતા, હાલ ગુજરાત રાજ્યના મત્સ્ય અને પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ સોલંકીનું ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત તારીખ આજે શનિવારના કરાશે.
બપોરના ૩ કલાકે નારી ચોકડીથી પ્રારંભ થનાર આ ભવ્ય સ્વાગત યાત્રામાં મસ્તરામ બાપુ મંદિર, દેસાઇનગર, આરટીઓ, જવેલ્સ સર્કલ, કાળિયાબીડ પાણીની ટાંકી, વિરાણી સર્કલ, લીલા સર્કલ ખાતે સમગ્ર ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં ભાવનગર પૂર્વ-પશ્ચિમના ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, ડી. બી. ચુડાસમા, શહેર સંગઠનના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો, મહાનગર પાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, ભાવનગર શહેરના તમામ વોર્ડનું સંગઠન, શિક્ષણ સમિતિના સદસ્યો, તમામ સેલ-મોરચાના હોદ્દેદારો આ સ્વાગત યાત્રામાં ઉપસ્થિત રહેવાના છે.
સમગ્ર યાત્રાપથને રંગબેરંગી કમાનો, બેનરો દ્વારા સજાવવામાં આવ્યા છે. તેમજ પ્રત્યેક સ્થળે પુષ્પની ફૂલપાંદડીઓથી મંત્રીનું સ્વાગત કાર્યક્રમ થશે તેમ શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીએ જણાવ્યું હતું.