એન્કર ગ્રુપ ઓફ ભાવેણા દ્વારા ભાવનગરમાં ગુણવત્તાવાળા એટલે કે ક્વોલિટી કાર્યક્રમો વખતોવખત યોજાતા રહે છે. ભુપતભાઈ સાટીયા અને તેમના સહ આયોજકો દ્વારા આ ગ્રુપના આયોજન તળે ભાવનગરના દર્શકો- શ્રોતાઓ સમક્ષ ખાસ કરીને મુંબઈના, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા કલાકારો પ્રસ્તુત થતા હોય છે. આવો જ એક કાર્યક્રમ શનિવારે તારીખ 4 ફેબ્રુઆરીના મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાઇ રહ્યો છે.
પ્લેબેક સિંગર જોલી મુખર્જી કે જેમણે સુપરહિટ ફિલ્મ ચાંદની, દયાવાન જેવી અનેક ફિલ્મોમાં પોતાનો કંઠ આપ્યો છે અને તેની સ્ટેજ પરની પ્રસ્તુતિ પણ દર્શકોને મંત્રમુક્ત કરી દેતી હોય છે તેમનો કાર્યક્રમ ‘ઓ મેરી ચાંદની’ શીર્ષક હેઠળ ચોથી ફેબ્રુઆરી શનિવારે રાત્રે ભાવનગરમાં યોજાઇ રહ્યો છે. હિટ ફિલ્મ ચાંદનીનું ટાઈટલ સોંગ, દયાવાન ફિલ્મમાં ‘ચાહે મેરી જાન તુ લે લે’ તથા જેકી શ્રોફના પ્લેબેક સિંગર તરીકે અનેક ગીતો આપનાર જોલી મુકરજી ઉપરાંત અન્ય સુખ્યાત્ કલાકારો શનિવારની રાતને યાદગાર બનાવશે તેમ આયોજક ભુપત સાટીયાએ જણાવ્યું હતું.
જોલી મુકર્જીએ જણાવ્યું હતું કે, ભાવનગર હું પહેલીવાર આવી રહ્યો છું અને આ કલાનગરી વિશે ખૂબ સાંભળ્યું છે ત્યારે હું પણ મારું શ્રેષ્ઠ આપવા તત્પર છું અને ભાવનગર બોલાવવા માટે હું એન્કર ગ્રુપ ભાવેણાનો પણ આભારી છું.