ભાવનગર,તા.29
ભગુડા ગામે માંગલધામના આંગણે માંગલ માં નો 27 મો પાટોત્સવ ધામધુમથી ઉજવાશે આ સાથે 9 મો માંગલ શક્તિ એવોર્ડ પણ આપવામાં આવશે. આ પ્રસંગે માંગલ માતાજીની આરતી પૂજા અને હવન અને પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. રાત્રે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકારો તથા લોકગાયકો અને સાહિત્યકારો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવશે આ પાટોત્સવમાં સમગ્ર ગુજરાત અને દેશમાંથી લાખો ભક્તજનો ઉપસ્થિત રહેશે.

ભગુડા માંગલધામે તા.2-5-23 ને મંગળવારે 27 મો પાટોત્સવ પ્રસંગે આ પૂ. મોરારીબાપુ તથા ગુરુ ગોરખનાથ આશ્રમ જુનાગઢના મહંત યોગી પીર શેરનાથ બાપુ તથા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ તથા દુધરેજ વડવાળા દેવની જગ્યાના મહંત કણીરામ બાપુ તથા પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબા તેમજ વિવિધ જગ્યાના મહંતો રામબાપુ તથા રાજેન્દ્રદાસબાપુ તથા ધનસુખનાથ તથા ઝીણારામ બાપુ તથા રમજુબાપુ તથા લેહરગીરીબાપુ વગેરે અનેક સંતો મહંતો અને આઈ માં ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે માંગલ શક્તિ એવોર્ડ સમારંભ યોજાશે.

મહાનુભાવોને એવોર્ડ અર્પણ કરાશે
આ 27 માં પાટોત્સવ દરમિયાન સાહિત્ય તથા લોક સાહિત્ય અને ચારણી સાહિત્યના વિદ્વાન મહાનુભાવોને માંગલ શક્તિ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. આ વર્ષે કુલ છ એવોર્ડ અર્પણ થનાર છે જેમાં બળદેવભાઈ નરેલા તથા હરેશદાન મીસણ તથા જીતુદાન ટાપરિયા તથા દરબાર પૂંજાવાળા તથા કવિ ત્રાપજકર અને માયાભાઈ આહીરને પૂજ્ય મોરારીબાપુના હસ્તે માંગલ શક્તિ એવોર્ડ અર્પણ થનાર છે.





