PMJY- મા કાર્ડ યોજના સામે ખાનગી હોસ્પિટલોને ઇન્સયોરન્સ કંપની બિનજરૂરી કનડગત કરી પૈસા ન ચૂકવતી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ જિલ્લા પંચાયતના કલેક્ટરે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના કમિશ્નરને આ મામલે પત્ર લખ્યો છે. જેમાં મા કાર્ડની સેવા આપ્યા બાદ ક્લેમ મંજુર કરવા જતી હોસ્પિટલ્સના પૈસા ઇન્સ્યોરન્સ કંપની સમયસર ચૂકવતી ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ દર્દીઓને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ ક્લેમ માટે જતા ઇન્સ્યોરન્સ કંપની સમયસર પૈસા ન ચૂકવતી હોવાનું સામે આવ્યું છે.
ઇન્સ્યોરન્સ કંપની જિલ્લા કક્ષાએ નિમાયેલી જિલ્લા ફરિયાદ કમિટીની જાણ બહાર હોસ્પિટલોને શૉ કોઝ નોટિસ આપતાં હોવાને લઇ કલેક્ટરે કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો છે. શૉ કોઝ નોટિસ આપનારા ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ પાસે MBBS ની ડિગ્રી જ ન હોવાનું સામે આવ્યું છે. ઈન્સ્યોરન્સ કંપની બિનજરૂરી કાનડગત કરતી હોવાને લઇ પણ પત્રમાં રજૂઆત કરાઈ છે. આ સાથે મા કાર્ડ યોજના સાથે નવી એમપેનલ થતી હોસ્પિટલમા પણ બિનજરૂરી ક્ષતિઓ કાઢવામાં આવતી હોવાની રજૂઆત કલેક્ટરના પત્રમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની 124 ખાનગી હોસ્પિટલ અને 74 સરકારી હોસ્પિટલ PMJY- મા કાર્ડ યોજના સાથે જોડાયેલી છે. PMJY- મા કાર્ડની યોજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર, ખાનગી હોસ્પિટલ અને ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ટ્રાઈ પાર્ટી એગ્રીમેન્ટ થયા છે. કલેક્ટરની દેખરેખ વચ્ચે ઇન્સ્યોરન્સ કંપની અને ખાનગી હોસ્પિટલ દર્દીને સારવાર મળે અને સરકારના પૈસાનો ખોટો વ્યય ન થાય તે કામગીરી કરવાની થાય છે. પણ આ ઇન્સ્યોરન્સ કંપનીની પ્રેક્ટિસને લઇ જુદી જુદી હોસ્પિટલ્સે કલેક્ટરને ફરિયાદ કરી છે.