10-11 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ 2:35 વાગ્યે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જવાબમાં બીએસએફના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો છે.
બીએસએફના પ્રવક્તાએ કહ્યું કે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું તે હજુ જાણી શકાયું નથી. આ ઘટના બાદ બીએસએફના જવાનો સરહદ પર કડક ચાંપતી નજર રાખી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરે યોજાનાર પ્રથમ તબક્કાના મતદાનના 7 દિવસ પહેલા સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે. જેના કારણે બીએસએફના જવાનોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 25 ફેબ્રુઆરી 2021ના રોજ યુદ્ધવિરામ કરારનું નવીકરણ કરવામાં આવ્યું હતું. આ પછી પાકિસ્તાને 4 વખત તેનું ઉલ્લંઘન કર્યું છે. છેલ્લી ફાયરિંગ 14 ફેબ્રુઆરી 2024ના રોજ જમ્મુના મકવાલમાં થઈ હતી. જોકે, કોઈને ઈજા થઈ ન હતી.