સુરતદેશભરમાં 111 કરોડ રૂપિયાના સાઈબર ફ્રોડની ઘટનામાં ચાઇનીઝ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ ચાઇનીઝ ગેંગ દુબઈ બેઠા બેઠા સુરતના યુવકોને એજન્ટ તરીકે રાખી સાયબર ફ્રોડ કરાવતી હતી. આ ખુલાસો 4 આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ સાયબર ફ્રોડની ઘટનામાં આજે ચોંકાવનારા ખુલાસા થયા છે.
સુરતમાં ઝડપાયેલા આરોપીઓ જે ઓફિસમાં બેસીને મલ્ટીપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શનના કામ કરતા હતા, તેના એક જ કમ્પ્યુટરમાં 200થી વધુ એકાઉન્ટ ઓનલાઈન લોગીન હતા. માત્ર 30 મિનિટમાં જ સાઇબર ફ્રોડના પીડિત દ્વારા જે પણ લાખો રૂપિયા મોકલવામાં આવતા હતા તેને ગણતરીની મિનિટોમાં આરોપીઓ મલ્ટીપલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા.
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં હાલ આરોપી હિરેન સાયબર સેલની કસ્ટડીમાં છે. તેણે સાઇબર સેલને જણાવ્યું હતું કે, તે સિવિલમાં એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. દુબઈ નોકરી કરવા માટે ગયો હતો અને ત્યાં તેની ઓળખાણ આ ચાઇનીઝ ગેંગ માટે કામ કરતા લોકો સાથે થઈ હતી અને ત્યારથી જ તે આ ગેંગ માટે એજન્ટ તરીકે કામ કરવા લાગ્યો હતો. સુરત ખાતે લોજિસ્ટિક ક્ષેત્રમાં કામગીરી કરવા માટે ઓફિસ ખોલીને આરોપીઓ એક જ કમ્પ્યુટર થકી કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરતા હતા. આ કરોડો રૂપિયા તેઓ દેશભરના અનેક લોકોને સાયબર ફ્રોડની ઘટનામાં શિકાર બનાવીને બેંક એકાઉન્ટમાં મંગાવતા હતા અને ત્યાર બાદ અલગ અલગ વ્યક્તિઓના નામે ખોલાવવામાં આવેલા એકાઉન્ટમાં મલ્ટીપલ ટ્રાન્જેક્શન કરતા હતા.
લોજિસ્ટિક ફર્મના નામે ઓફિસ ખોલીને આરોપીઓ બેસતા હતા ત્યાં ઓફિસમાં ફક્ત એક જ કમ્પ્યુટર હતું. જ્યારે પોલીસે ત્યાં રેડ કરી આ કમ્પ્યુટર જપ્ત કર્યું ત્યારે પોલીસ આ કમ્પ્યુટર જોઈ ચોંકી ગઈ હતી. કારણ કે એક જ કમ્પ્યુટરમાં અલગ અલગ ઓનલાઇન બેંક એકાઉન્ટના 200 જેટલા એકાઉન્ટ લોગીન હતા અને તે સમયે આરોપીઓ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી રહ્યા હતા. ગૂગલમાં આોરપીઓ ઓનલાઈન બેન્ક એકાઉન્ટના યુઝરનેમ અને પાસવર્ડ સેવ કરીને રાખતા હતા અને જ્યારે પણ આરોપીઓને ખબર પડે કે કોઈ પીડિત એકાઉન્ટમાં પૈસા મોકલે છે તે પૈસા તાત્કાલિક આરોપીઓ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા. જેને માત્ર 30 મિનિટ જેટલો સમય લાગતો હતો.


