શિલોંગના લોકપ્રિય સાંસદ રિકી એ. જે. સિંગકોનનું ફૂટબોલ રમતી વખતે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. મેદાન પર અચાનક ઢળી પડેલા સાંસદના અવસાનથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે.શિલોંગના સાંસદ અને ‘વોઈસ ઓફ ધ પીપલ પાર્ટી’ (VPP) ના દિગ્ગજ નેતા રિકી એ. જે. સિંગકોન ગુરુવારે સાંજે માવલાઈ માવિયોંગ ખાતે મિત્રો સાથે ફૂટબોલની મજા માણી રહ્યા હતા. રમત દરમિયાન જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ અચાનક બેભાન થઈને મેદાન પર જ ઢળી પડ્યા હતા. આ આકસ્મિક ઘટનાને પગલે રમતનું મેદાન ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. સાંસદને તુરંત જ માવિયોંગ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે ત્યાં કોઈ ડોક્ટર હાજર ન હોવાથી તેમને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં રીફર કરવા પડ્યા હતા. તેમને ડૉ. એચ. ગોર્ડન રોબર્ટ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબોના તમામ પ્રયાસો છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
સાંસદના નિધનના સમાચાર મળતા જ રાજ્યના ડેપ્યુટી સીએમ પ્રેસ્ટોન તિનસોંગ અને અન્ય ઉચ્ચ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ સોશિયલ મીડિયા પર ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ડૉ. રિકી એક અત્યંત વિનમ્ર અને જનતાની સેવા માટે સમર્પિત નેતા હતા. તેમનું અકાળે જવું એ રાજ્ય માટે મોટી ખોટ છે.



