ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ‘ગગનયાન’ તરફ
વધુ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોશિયલ
મીડિયા દ્વારા માહિતી આપી છે કે, ઇસરોએ ગગનયાન માટે બીજું ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક
પૂર્ણ કર્યું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે કરવામાં આવેલ આ પરીક્ષણ ગગનયાનની
તૈયારીઓ માટે અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.
ગગનયાન મિશનનો સૌથી જટિલ ભાગ અંતરિક્ષયાત્રીઓને અવકાશમાંથી સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા
લાવવાનો છે. જ્યારે ‘ક્રૂ મોડ્યુલ'(જેમાં અંતરિક્ષયાત્રીઓ બેઠા હશે) પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ
કરશે, ત્યારે તેની ગતિ ઘટાડવા અને તેને દરિયામાં સુરક્ષિત ઉતારવા માટે પેરાશૂટ સિસ્ટમની ભૂમિકા
નિર્ણાયક બની રહે છે. આ પરીક્ષણ દરમિયાન ક્રૂ મોડ્યુલના ડમી મોડલને ભારતીય વાયુસેનાના વિમાન
દ્વારા હજારો ફૂટની ઊંચાઈએથી નીચે ફેંકવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં તપાસવામાં આવ્યું કે પેરાશૂટ
યોગ્ય સમયે અને ક્રમમાં ખુલે છે કે નહીં. IADT-02ની સફળતા એ સાબિત કરે છે કે ઇસરોની પેરાશૂટ
રિકવરી સિસ્ટમ બરાબર કામ કરી રહી છે.




