ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે રહેતી ૨૩ વર્ષીય પરિણીતા કોમલબેન પ્રકાશભાઈ સોસાને અગાઉ સાસરિયાં વિરુદ્ધ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી, પતિ અને જેઠે બેફામ ઢીકાપાટુનો માર માર્યાની શરમજનક ઘટના સામે આવી છે. ભોગ બનનાર મહિલા દોઢ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે.
તળાજા પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદની વિગત મુજબ, કોમલબેને ગત તા. ૦૮/૦૬/૨૦૨૬ના રોજ સાસરિયાંઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમના માતા તેમને સાસરે મૂકી ગયા હતા. બીજા જ દિવસે સવારે ૮ વાગ્યાના અરસામાં પતિ પ્રકાશ રતીભાઈ, જેઠ મુકેશ, જેઠાણી સુમિતાબેન અને સસરા રતીભાઈ સોસાએ એકસંપ થઈ ઝઘડો શરૂ કર્યો હતો. તેમણે ધમકી આપી હતી કે, “જો અગાઉ કરેલી ફરિયાદ પાછી નહીં ખેંચે તો તને જાનથી મારી નાખીશું.”
ત્યારબાદ પતિ અને જેઠે પરિણીતાને બેરહેમીથી ઢીકાપાટુનો માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. પીડિતાએ રોડ પર જઈ અજાણ્યા વ્યક્તિના ફોનથી ભાઈને જાણ કરતા બહેને ૧૦૮ અને ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી હતી. ગંભીર હાલતમાં કોમલબેનને પ્રથમ તળાજા CHC અને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તબીબોએ તેમને પેટના ભાગે મૂઢ ઈજા થઈ હોવાનું જણાવ્યું છે. પોલીસે ચારેય સાસરિયાંઓ વિરુદ્ધ બીએનેસની કલમ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


