ભાવનગરમાં નવા તૈયાર થયેલા બસપોર્ટનું લોકાર્પણ આ મહિનાના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે આ સમયે જ ભાવનગર એસટીના વિભાગીય નિયામક પરમાર લાંચ કેસમાં આબાદ ઝડપાતા એસ.ટી તંત્રમાં પણ દોડધામ થઈ પડી છે ૨૦ દિવસ પછી વડાપ્રધાનનો કાર્યક્રમ છે ત્યારે જ લાંચના છટકામાં વિભાગીય નિયામક ઝડપાતા અમદાવાદથી તાત્કાલિક એક અધિકારીની નિમણૂક કરી દેવાઇ છે. જે બસપોર્ટના લોકાર્પણ કાર્યક્રમ સુધી ભાવનગરમાં ફરજ બજાવશે.
ભાવનગરને લાંબા સમય બાદ બસ પોર્ટની ભેટ મળવા જઈ રહી છે અને તેની તૈયારીમાં એસ.ટી તંત્ર પણ લાગી ગયું છે, આ સમયે જ વિભાગના મુખ્ય અધિકારી એવા ડિવિઝનલ કંટ્રોલર એ.કે. પરમાર રૂપિયા ૫૦,૦૦૦ ની લાંચ લેતા ઝડ પાતા તેઓ સળીયા પાછળ ધકેલાઈ ગયા છે. વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ છે ત્યારે જ વિભાગના મુખ્ય અધિકારીની ગેરહાજરીથી એસ.ટી તંત્રમાં ધમાસાણ મચી ગયું છે આથી અમદાવાદ મધ્યસ્થ કચેરીથી અધિકારી એન.બી. શુક્લને તાત્કાલિક ડેપ્યુટે શન પર ભાવનગર મોકલાયા છે. શુક્લ વડાપ્રધાનના હસ્તે બસપોર્ટના લોકાર્પણ સુધી ભાવનગરમાં કાર્યરત રહેશે અને લોકાર્પણ કાર્યક્રમ પાર પડ્યા બાદ તેઓ ફરી વખત મધ્યસ્થ કચેરીએ હાજર થશે તેમ જાણવા મળ્યું છે.
લાંચ લેતા ઝડપાયેલા એસટીના ડીસી કાલે સાંજ સુધી પોલીસ રિમાન્ડ પર

ભાવનગર એસ ટી.ના વિભાગીય નિયામક અશોક પરમાર રૂ.૫૦હજારની લાંચ લેતા સોમવારે રાત્રે ઝડપાયા બાદ આજે તેઓને રિમાન્ડની માંગ અર્થે કોર્ટમાં રજુ કરવામાં આવતા વધુ તપાસ માટે કોર્ટે કાલે સાંજ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.
ટ્રાવેલ્સ બસોને એસટીની સમાંતર ચાલવા દેવા અને કોઈ કાર્યવાહી નહી કરવા રૂ.૫૦ હજારમાં સોદો પાડી લાંચની રકમ સ્વીકારનાર એસટી વિભાગીય નિયામક એ.કે.પરમાર ભાવનગર અને બોટાદ એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતાં ચકચાર મચી હતી. સોમવારે રાત્રે છટકામાં ઝડપાતા પરમારે તે રાત પોલીસ લોકઅપમાં વિતાવી હતી જ્યારે મંગળવારની રાત પણ તેમણે પોલીસ લોકઅપમાં જ વિતાવવી પડી હતી. આજે એસીબી દ્વારા રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે કાલે સાંજે 5 વાગ્યા સુધી રિમાન્ડ મંજુર કર્યા હતા.
