ભાવનગરના ર્નિમળનગરમાં આવેલ હીરા બજારમાં ઓફીસ ધરાવતા નારીના હીરાના ધંધાર્થીએ શામપરા- સીદરસના બે હીરાના ધંધાર્થીઓને બાકી નાણાંની ઉઘરાણી બાબતે ધારીયું લઈને ધમકી આપતા વરતેજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના શામપરા- સીદસર ગામમાં રહેતા ભાર્ગવભાઈ રમેશભાઈ જેતાણી અને અલ્પેશ ધનજીભાઈ જેતાણી ભાવનગરના ર્નિમળ નગર વિસ્તારમાં હીરાનો વેપાર કરતા હોય આ બંને વેપારીઓએ ર્નિમળનગરના ક્રિસ્ટલ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા નારી ગામના હિરેનભાઈ વીરજીભાઈ કોશિયાને રૂ. ૩૫ લાખના હીરા વેચાણ માટે આપેલા હતા તેના વેચાણના રૂ. ૧૫ લાખ કટકે કટકે પરત આપી દીધેલ, ત્યારબાદ લોકડાઉન આવી જતા છેલ્લા દોઢ વર્ષથી તેઓ બાકી રહેલા રૂપિયા ૨૦ લાખ ચૂકવતા ન હોય, ભાર્ગવભાઈ અને અલ્પેશભાઈ તેમના ગામ નારી ઉઘરાણી માટે ગયા હતા ત્યારે હિરેનભાઈએ તમને પૈસા આપવાના નથી તેમ કહી ને બંનેને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી.
હિરેનભાઈએ ધમકી આપતા અલ્પેશભાઈએ ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,આ ઘટના બાદ હિરેનભાઈએ પણ ઝેરી દવા પી લેતા તેમને પણ સારવાર અર્થે દાખલ કરવામાં આવતા તેમણે ભાર્ગવભાઈ અને અલ્પેશભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ભાર્ગવભાઈએ પણ હિરેનભાઈ વિરુદ્ધ ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવી હતી.
હીરાબજારમાં ચકચાર જગાવતી આ ઘટનામાં નારીના હીરાના વેપારી પાસે અન્ય અનેક વેપારીઓના નાણાં પણ ફસાયેલા હોય,વેપારીઓએ ડાયમંડ એસોસિએશનના પ્રમુખને સાથે રાખીને એ.એસ.પી.ને પણ રજુઆત કરી હતી.