ભાવનગર શહેરમાં પડતા વરસાદના આંકડા હવામાન વિભાગ અને કોર્પોરેશન દ્વારા અલગ અલગ રીતે નોંધાતા હોય છે અને મોટા ભાગે બંનેમાં તફાવત જાેવા મળે છે ! ગઇકાલે બુધવારે બપોર બાદ પડેલા વરસાદના આંકડા જાહેર થયા તેમાં અડધો અડધ તફાવત જાેવા મળ્યો. હવામાન વિભાગ મુજબ શહેરમાં ૪૧ મી.મી અને કોર્પોરેશન મુજબ ૨૧ મી.મી વરસાદ પડ્યો હતો.
હાલાકી, બંને આંકમાં ભલે તફાવત હોય પરંતુ બંને સાચા છે! અલગ અલગ આંક જાહેર થવાથી લોકોમાં વિશ્વનીયતા ગુમાવે છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ખંડ વર્ષાનું પ્રમાણ વધ્યું છે, એક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતો હોય અને બીજે માત્ર અમીછાંટણા કે સામાન્ય ઝાપટું પડતું હોય છે. મુખ્યત્વે પ્રદુષણને કારણે ખંડવર્ષાનું પ્રમાણ વધ્યું છે ત્યારે ભાવનગર શહેરમાં માત્ર કાળિયાબીડ પાણીની ટાંકી ખાતે એકમાત્ર જગ્યાએ વરસાદ માપક યંત્ર મુકાયું છે જે અપુરતું છે. આમેય ભાવનગર શહેરનો વિસ્તાર અને વસ્તાર બંને વધ્યું છે. શહેરમાં સિમાડાના છ ગામોને ભેળવી લેવાયા છે આથી મહાપાલિકાએ પણ કચેરીના ત્રણ ઝોન કર્યાં છે. મધ્ય-પૂર્વ અને પશ્ચિમ એમ ત્રણ ઝોનમાં કામગીરી વહેંચાય છે પરંતુ વરસાદ નોંધવા માટે એકમાત્ર કાળીયાબીડ ફિલ્ટરની ટાંકી પર જ મદાર રહે છે. આ કારણે શહેરના જુદા જુદા વિસ્તારમાં પડેલા વરસાદના ચોક્કસ આંક નોંધાતા નથી. હવામાન વિભાગ દ્વારા એરપોેર્ટ પર વરસાદ માપક યંત્ર મુકાયેલું છે તેના અને કોર્પોરેશન દ્વારા નોંધાતા વરસાદના આંક લગભગ જુદા જ જાેવા મળતા હોય છે. કોર્પોરેશન દ્વારા વરસાદ માપક યંત્રની સંખ્યા વધારવામાં આવે તો શહેરીજનોને વરસેલા વરસાદના સાચા આંક મળી શકે.