પ્રથમ વિશ્વયુદ્ધના સમયે ભાવનગર રાજ્યના સૈનિકોએ લડેલી હાઇફાની લડાઇ અને જીતથી આજની પેઢી અજાણ છે ત્યારે ભાવનગર જિલ્લા માજી સૈનિક એસોસિએશન દ્વારા સરદારનગર સ્વામિનારાયણ ગુરૂકુળ સભાખંડ ખાતે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલના અધ્યક્ષસ્થાને હાઇફા ડેની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
ઇ.સ.૧૯૧૮ના ૨૩ સપ્ટેમ્બરે પેલેસ્ટાઇનના હાઇફા બંદરે પ્રથમ વિશ્વયુદ્ધ અંતર્ગત આ લડાઇ થયેલી. બ્રિટિશ સૈન્ય તરફથી ભાવનગર જાેધપુર અને મૈસુર રાજ્યના સૈનિકો જંગ લડ્યા હતા અને દુશ્મન સૈન્યમાં ઓટોમન એમ્પાયર અને જર્મન સૈનિકો હતા. વિશાળ લડાઇના અંતે ભારતીય સૈનિકોએ ભવ્ય વિજય મેળવી હાઇફા બંદર પર કબ્જાે મેળવ્યો હતો. આ લડાઇમાં દુશ્મન સૈન્ય પાસે તોપ, બંદૂક અને મશીનગન જેવા શસ્ત્રો હતા જ્યારે ભારતીય સૈનિકો પાસે તો તલવાર ભાલા અને તીરકામઠા હતા એ સમયે ભીષણ જંગ ખેલાયો હતો. ભારતની પહેલી પેઢીના કિંગ કમિશન્ડ ઓફિસર ભાવનગર રાજ્યના કેપ્ટન જાેરાવરસિંહ ગોહિલે આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જંગ બાદ દુનિયાના નકશા પર ઇઝરાયેલ નામના નવા દેશના જન્મની પ્રક્રિયા શરૂ થઇ હતી અને આ કારણે ઇઝરાયેલ દર વર્ષે હાઇફા ડેની ઉજવણીના દિવસે ભારતીય સૈનિકોના બલિદાન અને શૌર્યને આદરપૂર્વક યાદ કરી અંજલી આપે છે.
આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, આર.એસ.એસ.ના પ્રચારક રવિકુમાર તેમજ કમાન્ડીંગ ઓફીસર ત્યાગી, માજી જિલ્લા સૈનિક સંગઠનના પ્રમુખ સુરૂભા સરવૈયા, ૧૧ બટાલીયન, મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી, ભારતીય સેનાના જવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતાં.