ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ માઢીયા ગામ નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટનામાં બાઇક સવાર ત્રણ વ્યક્તિને ઇજા થઈ હતી. અકસ્માતનો બનાવ બનતા તુરંત જ લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ધોલેરા તાલુકાના દેવપુરા ગામના વતની અને ભાવનગરના કુંભારવાડા અક્ષરપાર્કમાં રહેતા મહેશભાઈ મેધાભાઈ રાઠોડ તેમના પત્ની અને પુત્રી સાથે મોટર સાયકલ લઈને દેવપુરાથી ભાવનગર આવી રહ્યા હતા ત્યારે સનેસ અને માઢીયા ગામ વચ્ચે આવે ક્રિષ્ના હોટેલ નજીક ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા મહેશભાઈ રાઠોડ અને તેમના પત્નીને નાની મોટી ઈજા થઈ હતી,જ્યારે મહેશભાઈની પુત્રી હર્ષિતાબેનને આંખની નીચેના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે મહેશભાઈ રાઠોડ એ ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વેળાવદર ભાલ પોલીસે તપાસ હાથ ધરી છે.