શરદપૂર્ણીમાની રઢીયાળી રાત્રીના ચાદનીના શિતળ અજવાળામાં ઉધીયુ, દહિવડા અને દૂધ પૌવાની જયાફત માણવાની મજા જ કંઇક અલગ હોય છે. અને વર્ષમાં એક વખત આવતી તક બે વર્ષ પછી ભાવેણાવાસીઓએ ઝડપી લીધી હતી અને ખુલ્લા આકાશે શરદપૂર્ણીમાની ઉજવણી કરી હતી. શહેરના વિવિધ બાગ બગીચા સહિતના સ્થળો રાત્રીના હાઉસફૂલ થઈ ગયા હતા.
છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે તહેવારોની ઉજવણી નહીં કરી શકનાર લોકો હવે એક પણ તહેવારની ઉજવણી છોડવા માગતા ન હોય તેમ દરેક તહેવારો ઉત્સાહ ભેર ઉજવી રહ્યા છે નવરાત્રી પર્વની ધમાકેદાર ઉજવણી બાદ શરદપૂર્ણીમાની પણ લોકોએ ભવ્ય ઉજવણી કરી હતી જેમાં રાત્રીના સમયે મિત્રો તથા પરિવારજનો સાથે લોકો બોરતળાવ, કુડા, કોળિયાક તેમજ વિવિધ બાગ બગિચાઓમા પહોંચ્યા હતાં અને ઉધીયુ, દહિવડાની જયાફત માણી હતી બોરતળાવ સહિતના સ્થળે રાત્રીના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇને શરદપૂર્ણીમાના ચંદ્રના અજવાળે ઉજવણી કરી હતી.
ભાવનગરમાં મીઠાઈ ફરસાણના વેપારીઓએ હજારો કીલો ઉધીયુ, દહિવડાનુ વેચાણ કર્યુ હતુ. લોકોએ રાત્રીનાં દૂધ પૌવાની પણ મજા માણી હતી.