ભાવનગર તા.૧૩
ભાવનગરના બોરતળાવ રોડ, હરખાદાદાની વાડીમાં રહેતા અને ફાસ્ટ ફૂડની દુકાન ચલાવતા ભાવેશભાઈ મોહનભાઈ સવાણી ( ઉ.વ.૩૦ ) તેમના ઘરે હતા તે દરમિયાન ગત તા. ૧૬ માર્ચના રોજ તેમના વોટ્સએપમાં અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવેલ અને પોતાનું નામ વિવિયન હોવાનું જણાવેલ અને ધંધાકીય વાતચીત કરી ઇન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ કરવાથી નફો થશે અને IDEX નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવેલ. આથી ભાવેશભાઈએ એપ્લિકેશન ડાઉનલોડ કરી રૂ.૧૦૦૦ નું રોકાણ કરેલ અને બાદમાં આ રકમ ઉપાડી લેતા ચાર્જ કપાત સાથે રૂ.૯૫૦ પરત મળ્યા હતા.
આ ઘટના અંગે સૌરાષ્ટ્ર આસપાસ દૈનિકને વધુમાં મળતી વિગતો અનુસાર યુવાન વેપારીએ પ્રથમ રૂ.૩૦,૦૦૦ રોકાણ કરેલ જેથી વિવિયને વીઆઈપી રોકાણકાર લેવલ મેળવવા માટે અલગ અલગ સ્કીમના નામે અલગ અલગ રકમ જમા કરાવેલ. આ રકમ જમા કરાવ્યા બાદ વિવિયનનો જુનો ફોન નંબર બંધ થઈ ગયો હતો અને નવા મોબાઈલ નંબર પરથી મેહેર નામના વ્યક્તિએ મેસેજ મોકલીને પોતે પૈસા ઉપાડવા માટે મદદરૂપ થશે તેમ જણાવેલ.
ત્યારબાદ આ વ્યક્તિએ પણ અલગ અલગ ચાર્જના નામે રકમ ટ્રાન્સફર કરાવી હતી એપ્લિકેશન મારફત રકમ જમા કરાવ્યા બાદ તેમના પૈસા મની લોન્ડરિંગમાં ફસાયેલ છે તેમ જણાવી ડિપોઝિટ તરીકે રૂપિયા એક લાખ મોકલવા માંગણી કરી હતી. જોકે ભાવેશભાઈએ આ રકમ નહીં મોકલતા એપ્લિકેશન ખુલતી બંધ થઈ ગઈ હતી.
ઇન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ કરવાના નામે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં ભાવેશભાઈ સવાણીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ઉક્ત બંને શખ્સ વિરુદ્ધ રોકાણના બહાને વિશ્વાસમાં લઈને અલગ અલગ સમયે રૂ.૮,૪૧,૭૨૬ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે આઈપીસી કલમ ૪૦૬,૪૧૯,૪૨૦ અને ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટની કલમ ૬૬-ડી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.