ભાવનગર,તા.21
વિધાનસભા ચૂંટણી જાહેર થવામાં છે ત્યારે ક્ષત્રીય સમાજે પ્રતિનિધિત્વની માંગ વધુ પ્રબળ બનાવી છે, આજે ક્ષત્રીય યુવા રાજકીય , સામાજિક ચેતના સંમેલન અંદાજીત ૫૦૦૦ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં હુંકાર કરાયો છે કે જે પક્ષ ક્ષત્રીય ઉમેદવારને જે બેઠકની ટિકિટ આપશે તેને જીતાડવાની જવાબદારી સમાજ દ્વારા લેવામાં આવશે. આ ઉપરાંત ક્ષત્રીય સમાજ દ્વારા વિવિધ તબક્કે સમાજને યોગ્ય પ્રભુત્વ મળે તે માટે અભિયાન છેડવા નક્કી થયું હતું.
શાશક પક્ષ દ્વારા વિધાનસભાની એકપણ ટીકીટ આપવામાં આવતી નહિ હોવાથી છેલ્લા 3 મહિનાથી અલગ અલગ પ્રકારના ત્રણ સંમેલનો કરવામાં આવેલ . આજરોજ ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ ખાતે યુવા ક્ષત્રીય સંમેલનનું આયોજન સાંજે રાખવામાં આવેલ . આજના સંમેલનમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ . આ સંમેલનમાં આશીર્વચન આપવા પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહેલ અને અતિથી વિશેષ તરીકે ગઢવીજી ઉપસ્થિત રહેલ .
આજના સંમેલનમાં મુખ્યત્વે જે મુદ્દાઓ ઉપર મંથન – ચિંતન કરવામાં આવેલ . તેમાં મુખ્યત્વે મતદાનની ટકાવારી વધારવી, મતદાર યાદીમાં નામો મોટા પ્રમાણમાં નોંધણી કરાવવા, જીલ્લામાં ૨,૫૦,૦૦૦ થી ૨,૭૫,૦૦૦ ( અઢી થી પોણા ત્રણ લાખ ) મતદારો ક્ષત્રીય સમાજના છે, જીલ્લામાં મતદારોની સંખ્યા બીજા નંબરે છે ,જીલ્લામાં (ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા અને પાલીતાણા એમ ચાર બેઠક ઉપર ક્ષત્રીય સમાજનું પ્રભુત્વ હોય આ બેઠકો પૈકી કોઈપણ ૧ બેઠક ક્ષત્રીય સમાજને ફાળવવી, આગામી સમયમાં મહિલા સંમેલન કરવું અને ત્યારબાદ મહાસંમેલન યોજવું , ક્ષત્રીય મતદારોનું પ્રભુત્વ ધરાવી વિધાનસભા ઉપર દરેક વિસ્તારોમાં નાની – મોટી મીટીંગ દરેક સમાજને સાથે રાખીને કરાવી વિગેરે બાબતો હતી.