દિલ્હીમાં લિવ ઈન રિલેશનમાં રહેતા યુવાને તેની શ્રદ્ધાના 35 ટુકડા કરીને નિર્મમ હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા જંગલમાં ફેંકી દેવાના પિશાચી કૃત્યની ઘટનામાં અવનવા ખુલાસા થઈ રહ્યા છે. પ્રેમિકાની ક્રુરતાથી હત્યા કરનાર આફતાબને તેના દુષ્કૃત્યનો જરાય અફસોસ નથી તેમ પોલીસ પુછપરછમાં કબુલાત કરી છે.
હોલીવુડની હોરર મુવીને પણ પાછળ રાખી દે તેવી આ દુષ્કૃત્યની પ્રેરણા પણ વળી આફતાબને હોલીવુડની એક હોરર વેબ સીરીઝ ‘ડેકસ્ટર’માંથી મળી છે. આ સીરીઝનો નાયક એક હત્યાકાંડને બેહદ નિર્મમતાથી અંજામ આપતો હોય છે ત્યારબાદ તે શબના ટુકડા કરીને તેને બાફીને ખાતો હોય છે. વેબસીરીઝો યુવા માનસ પર કેવી ખતરનાક અસર કરતી હોય છે તેનો આફતાબ પુરાવો છે. પોલીસે જયારે આફતાબની પુછપરછ કરી ત્યારે તે હસી રહ્યો હતો અને પકડાઈ ગયો એટલે તેણે કહ્યું હતું કે, મારી કિસ્મત સારી નહોતી. તેને પ્રેમિકા શ્રદ્ધાની હત્યાનો કોઈ પસ્તાવો નહોતો, તેણે આ બધું પોતાના બચાવમાં કર્યું હતું તેમ પોલીસ સામે કબુલ્યું હતું.
આફતાબ જાણે કોઈ સાઈકીક મર્ડરર હોય તેવું તેનું વર્તન પોલીસની પુછપરછમાં બહાર આવ્યું છે. પ્રેમિકા શ્રદ્ધાનું કાપીને ફ્રીઝમાં રાખેલુ માથુ બહાર કાઢીને આ મૃત માથા સાથે વાત પણ કરતો હતો. એટલું જ નહીં, હત્યા પછી પણ આફતાબને ગુસ્સો ચડતો તો તે મૃત પ્રેમિકાના માથાને થપ્પડ પણ મારતો હતો.
સાયકીક કિલર આફતાબે પોલીસને કહ્યું હતું કે શ્રદ્ધાનું ગળુ દબાવીને મારવામાં તેને ખાસ કોઈ પરેશાની નહોતી થઈ પણ હત્યા બાદ શરીરના ટુકડાનો નિકાલ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પોતાના લક્ષ્યને અંજામ આપવા આફતાબે ઈન્ટરનેટનો ભરપુર ફાયદો ઉઠાવ્યો છે.પોલીસની પુછપરછમાં એવી પણ ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે, જે રૂમમાં શ્રદ્ધાના શબના 35 ટુકડા કર્યા હતા તે રૂમમાં આફતાબ સૂતો હતો. આફતાબ ફ્રિઝમાં રાખેલા શ્રદ્ધાના શરીરના ટુકડાને, મસ્તકને જોતો હતો.
શ્રદ્ધાની હત્યા બાદ આફતાબે એક અન્ય ગર્લફ્રેન્ડ બનાવી હતી
પોલીસ આફતાબના મીડીયા એકાઉન્ટને લઈને પણ જાણકારી એકત્ર કરી રહી છે તેના પુર્વ પ્રેમ સંબંધોના બારામાં પણ પતો મેળવાઈ રહ્યો છે. જે અંતર્ગત એક બબલ એપમાંથી આરોપીની પ્રોફાઈલની જાણકારી મંગાઈ છે કે આરોપીના શ્રદ્ધા સિવાય કઈ કઈ છોકરીઓ સાથે સંબંધો હતા. શ્રદ્ધાની મુલાકાત પણ આ એપથી થઈ હતી. સૂત્રો મુજબ આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ આ એપની મદદથી અન્ય એક ગર્લફ્રેન્ડ બનાવી હતી.
આફતાબના નાર્કો ટેસ્ટ માટે પોલીસનું આવેદન
પ્રેમિકાની નિર્મમતાથી હત્યા કરનાર આફતાબને નાર્કો ટેસ્ટ માટે પોલીસે આવેદન કર્યું છે. પોલીસે મૃતક શ્રદ્ધાના પિતા અને ભાઈના બ્લડ સેમ્પલ ડીએનએ મેચ કરાવવા માટે તબીબોને ઉપલબ્ધ કરાવી દીધા છે. સાથે સાથે આરોપી આફતાબના નાર્કો ટેસ્ટ માટે પણ પોલીસે આવેદન કર્યું છે.