સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે ત્યારે આજે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલ્પ પત્ર જાહેર કર્યું છે.
સીઆર પાટીલે કહ્યું કે, આજે બંધારણ દિવસ છે. જે લોકતંત્રનો આત્મા છે. ડો આંબેડકરને નમન કરું છું. ગુજરાતનું સંકલ્પ પત્ર લોકોની આશા અને અપેક્ષાના આધારે બન્યું છે. પ્રજાની આશા પૂરી કરતી પાર્ટી ભાજપ છે ભાજપે અત્યાર સુધી આપેલા સંકલ્પ પત્રના વચનો પૂરા કર્યાં છે. તો કેટલાક પાઈપલાઈનમાં છે. સંકલ્પ પૂરા કરવા તે ભાજપની ખાસિયત રહી છે. સંકલ્પ પત્ર બનાવતા પહેલા ખાસ અભિયાન ચલાવાયુ હતું. લોકોના સૂચનો મંગાવાયા હતા. અલગ અલગ કાર્યક્રમો દ્વારા લોકો પાસેથી સૂચનો મંગાવાયા. ભાજપના જુદા જુદા સેલે પોતાના સંગઠનમાં મીટિંગ ગોઠવી સૂચનો મેળવ્યા. આ સંકલ્પ પત્ર અમૂલ્ય સૂચનોનો દસ્તાવેજ છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે 5 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી સંકલ્પ પત્ર માટે ગુજરાતમાં અભિયાન ચલાવ્યું હતું. ગ્રામ પંચાયતથી મનપા સુધી સૂચન પેટી મૂકાઈ હતી. એટલુ જ નહિ, સોશિયલ મીડિયા મારફતે પણ લોકોના સૂચન લેવાયા હતા.
ભાજપનો સંકલ્પપત્રમાં શું છે
₹10,000 કરોડના રોકાણ સાથે ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષનું નિર્માણ
₹25,000 કરોડના ખર્ચે ગુજરાતના સમગ્ર સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ
દેશના પહેલા પરિક્રમા પથનું નિર્માણ. સમગ્ર ગુજરાતને આવરી લેતો 4-6 લેનનો પથ સાઉથ ઈસ્ટર્ન હાઈ-વે (1,630 કિ.મી.)
સિવિલ એવિએશનમાં No.1 બનશે ગુજરાત. સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરીશું
₹80,000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરુ કરીશું
લાભાર્થીઓને તેમના ખાતામાં સીધી સહાય. દેશમાં 100% DBT હેઠળ તમામ સરકારી યોજનાઓને આવરી લેનારું ગુજરાતને પ્રથમ રાજ્ય બનાવીશું
પોલીસ ફોર્સનું આધુનિકીકરણ. ₹1,000 કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સને સશક્ત કરીશું
ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી વાળું રાજ્ય બનાવીશું
આગામી 5 વર્ષમાં ₹5 લાખ કરોડનું વિદેશી રોકાણ લાવીશું
ધોલેરામાં દેશનો પ્રથમ એવિએશન પાર્ક વડોદરામાં એરક્રાફ્ટ પ્રોડક્શન યુનિટ બનાવીશું
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સી ફૂડ પાર્કનું નિર્માણ કરીશું
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારની મર્યાદાને ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરીશું
₹110 કરોડના ભંડોળ સાથે ‘મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોનોસ્ટિક સ્કીમ’ શરૂ કરીશું
₹10,000 કરોડના ભંડોળથી ‘મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ’નું નિર્માણ કરીશું
મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ₹10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરીશું
આગામી 5 વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડીશું
‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ’ કમિટી ભલામણનો સંપૂર્ણપણે અમલ કરીશું
દેશવિરોધી પ્રવૃત્તિઓને દૂર કરીશું. ‘એન્ટિ રેડિકલાઈઝેશન સેલ’ બનાવીશું
અસામાજિક તત્વો દ્વારા મિલકતોને થયેલા નુક્શાનની વસૂલાત કરીશું
‘ગુજરાત લિંક કોરિડોર્સ’નો વિકાસ કરીશું
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઈ-વે ગ્રીડ વિકસાવીશું
‘ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન’ હેઠળ ₹25,000 કરોડ ખર્ચીશું
દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવીશું
મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે ₹1,000 કરોડ ફાળવીશું
વૈશ્વિક સ્તરે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા માટે ₹2,500 કરોડનું રોકાણ કરીશું
‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ અંતર્ગત ₹1 લાખ કરોડ ફાળવીશું
KG થી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરીશું
ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સાયકલ આપીશું
વ્હાલી દીકરી યોજના અંતર્ગત નાણાકીય સહાય વધારીને ₹1.50 લાખ કરીશું
‘મિશન મંગલમ 2.0’નું ભંડોળ ₹2,500 કરોડ સુધી વધારીશું
આગામી 5 વર્ષમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ કરીશું
અગ્નિવીર તરીકે ભરતી થનારી મહિલાને ₹50,000ની વન ટાઈમ ગ્રાન્ટ આપીશું
વ્હીકલ સ્ક્રેપેજ અને ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રમાં રહેલા આપણાં સામર્થ્યનો ઉપયોગ કરીને ગુજરાતને ભારતનું રિસાયક્લિંગ હબ બનાવીશું
નાના શહેરો અને ગામડાઓને નજીકનાં શહેરી કેન્દ્રો સાથે જોડવા માટે 1,000 ઈ-બસોનો કાફલો વિકસાવીશું.
તમામ પોલીસ સ્ટેશનોમાં સાયબર હેલ્પ ડેસ્ક અને દરેક જિલ્લામાં ‘સાયબર ફોરેન્સિક યુનિટ’ બનાવીશું
100% પ્રસૂતિ દવાખાનામાં થાય તે સુનિશ્ચિત કરીશું
સગર્ભા સ્ત્રીઓ માટેની ખાસ 200 એમ્બ્યુલન્સનો વધારો કરીશું
ગુજરાત પોલીસની સ્પેશ્યિલ મહિલા કમાન્ડો ફોર્સ બનાવીશું જે ‘વીરાંગના’ તરીકે ઓળખાશે
‘હેલ્થ રિક્રૂટમેન્ટ બોર્ડ’ની રચના કરીશું જે ડોક્ટર અને નર્સ જેવા મેડિકલ સ્ટાફની ભરતી કરશે
સમગ્ર ગુજરાતમાં 100 ‘અન્નપૂર્ણા કેન્ટીન’ શરુ કરીશું, જ્યાં દિવસમાં 3 વાર માત્ર ₹5 માં ભોજન મળશે
EWS વેલફેર બોર્ડની રચના કરીશું જે શિક્ષણ અને ભરતીમાં નિયમોની દેખરેખ કરશે અને EWS વર્ગોના કલ્યાણ માટે કામ કરશે.
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના’ હેઠળ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી નાણાકીય સહાયને ડબલ કરીશું