તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં ભારતને ઘેરવામાં અસફળ રહેલ પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતના વડાપ્રધાન વિષે બેફામ ઝેર ઓકયું તેના વિરોધમાં ભાજપ સંગઠન અને યુવા મોરચા દ્વારા આજે શનિવારે સાંજે ૫ કલાકે રૂપમચોક ખાતે આક્રોશ વ્યક્ત કરતાં પ્રદર્શન અને ધરણાં રાખવામા આવ્યા છે. આ વિરોધ પ્રદર્શન પૂરું થયે તમામ કાર્યકરો કલેક્ટર કચેરીએ જઈને આવેદન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક જેની માતાના બાપુજી એક સમયે ભારતના વડાપ્રધાનને ઘૂટણિયે પડ્યા હતા, જેના પિતાજી આખા પાકિસ્તાનમાં મિસ્ટર ટેન પરસેન્ટ તરીકે વગોવાયેલા હોય એવા સંસ્કારીમાતા-પિતાના પુત્ર પાસે બીજી અપેક્ષા પણ શું રાખી શકાય ?
સમગ્ર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાની આગેવાનીમાં થવાનો છે. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, તેમજ ત્રણેય મહામંત્રીઓ અરુણભાઈ પટેલ, યોગેશભાઈ બદાણી, ડી. બી. ચુડાસમા સહિત ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો, મહાનગર પાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડ સંગઠન, તમામ સેલ-મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જાેશીએ જણાવ્યું હતું.