ભાવનગર શહેર અને જિલ્લામાં રવિવારે ખોડિયાર જયંતીની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી થશે,સાથોસાથ મહા માસની નવરાત્રી પર્વની અષ્ટમીની પણ ઉજવણી થશે.
ભાવનગરના ગ્રામ રક્ષક દેવી તરીકે પૂજાતા અને ભાવિકોની આસ્થાના કેન્દ્ર એવા આઈ શ્રી ખોડિયાર માતાજીની જયંતીની રવિવારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવનાર છે.પ્રસિદ્ધ તીર્થસ્થાન રાજપરા ખોડિયાર મંદિર સહિતના માતાજીના સ્થનકોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે.
રાજપરા ખોડિયાર મંદિર ખાતે આજ મધરાતથી જ ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડશે.ખોડિયાર મંદિર રાજપરા ખાતે પરંપરાગત ઉજવણી કરવામાં આવશે.
રાજપરા ખોડીયારધામ ઉપરાંત ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ખોડિયાર જયંતિ ઉજવવા ભવિકોમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
આઈ.શ્રી આવડ ખોડલ જન્મભૂમિ ધામ,રોહિશાળા ખાતે ખોડિયાર જયંતિ નિમિત્તે યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાનાર છે.ભાવનગરના સંસ્કાર મંડળ પાસે આવેલ ખાંડીયા કુવા ખોડિયાર મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.આ પ્રસંગે સવારે માતાજીની શોભાયાત્રા,સાંજે મહાપ્રસાદ અને ડાકડમરું કાર્યક્રમ યોજાશે.
મહા માસની નવરાત્રી પર્વમાં રવિવારે અષ્ટમી નિમિત્તે શહેર અને જિલ્લાના દેવીમંદિરોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
ખોડિયાર મંદિર – રાજપરા ખાતે કાલથી દેવી ભાગવત સપ્તાહ
ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર ખાતે રવિવારે ખોડિયાર જયંતીની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે.આ ઉપરાંત ખોડિયાર મંદિર મહંત પરિવાર દ્વારા ક્ષીપ્રાગીરી મહારાજના વ્યાસાસને રવિવારથી શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે.આગામી તા.૪/૨ સુધી ચાલનારી સપ્તાહ દરમિયાન જાણીતા કલાકારોના ભજન અને લોકડાયરાનું આયોજન કરાયું છે, આ ઉપરાંત માતાજીના ગરબાનો પણ ભાવિકોને લાભ મળશે.મહંત પરિવાર દ્વારા ભાવિકોને જાહેર નિમંત્રણ અપાયું છે.





