શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમસ્ત શ્રીમાળી સોની સમાજના આરાધ્યદેવ નવનીતપ્રિયાજી, બાલકૃષ્ણલાલજીની હવેલી તેમજ કુળદેવી વાઘેશ્વરી માતાજી, વિઘ્નહર્તા ગણેશજી, સંત શિરોમણી બજરંગદાસબાપા તેમજ ગિરિરાજજીના પાટોત્સવની આગામી તા.૩૦ જાન્યુઆરીને સોમવારના રોજ પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સ્વ. જયાબેન જસુભાઈ વાવડીયાના સ્મરણાર્થે જે.કે. સન્સ પરિવારના સર્વ રોહિતભાઈ અને પંકજભાઈ (રાજકોટ-અમદાવાદ)ના મુખ્ય મનોરથીપદે આયોજિત આ પાટોત્સવ અંતગર્ત આગામી તા.૩૦ને સોમવારે સવારે ૯ કલાકે ભાવનગર શહેરના ક્રેસંટ સર્કલ ખાતેથી એક વિશાળ અને રંગદર્શી કળશયાત્રા (શોભાયાત્રા) નિકળશે. મ્યુઝીક બેન્ડના સંગાથે અને આતશબાજીની રમઝટ સાથે નિકળનારી આ કળશયાત્રામાં ૧૧૧ બાળાઓ જાેડાશે.
આ શોભાયાત્રા રાસ ગરબાની રમઝટ સાથે વાજતે-ગાજતે સ્થાનિક મુખ્ય માર્ગો પર ફરીને સોનીની હવેલી-મંદિરમાં પહોંચશે. જયા જ્ઞાતિગોર સંજયભાઈ દ્વારા મુખ્ય કળશની શાસ્ત્રોકત વિધિવિધાનપુર્વક પુજાવિધિ કરાવશે. આ અવસરે અલૌકિક વૃજકમળ મનોરથના દર્શન ખુલ્લા મુકાશે તેમજ તમામ દેવ દેવીઓને અન્નકુટ ધરવામાં આવશે. આ કળશયાત્રામાં જાેડાયેલ તમામ બાળાઓને આગામી તા.૫ ફેબ્રુઆરીને રવિવારે સાંજે શહેરના ડોકટર હોલમાં યોજાનાર મુખ્ય મનોરથી પરિવારના સન્માન સમારોહમાં સ્મૃતિભેટનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ સર્વ નરેન્દ્રભાઈ ધોળકીયા (લાઠીદડવાળા) અને નવલભાઈ ચાંપાનેરી (ગઢડાવાળા)ના માર્ગદર્શન તળે નવનિયુકત કાર્યવાહક કારોબારી કમિટિના સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. દરમિયાન સોનીની હવેલીના પાટોત્સવ અવસરે ભાવનગર શહેરના તમામ સોની વેપારીઓ, દુકાનદારોને અડધો દિવસ દુકાનો બંધ રાખી અણોજાે પાળી શોભાયાત્રામાં જાેડાવવા શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ,ભાવનગર દ્વારા અનુરોધ કરાયો છે.