ઇન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને નવ વિકેટથી હરાવ્યું હતું. મેચના ત્રીજા દિવસે લગભગ પોણા કલાકમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. 76 રનના આસાન ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને પહેલી જ ઓવરમાં ઉસ્માન ખ્વાજાના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ તે પછી કંઈ ખાસ થઈ શક્યું ન હતું. તેણે આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. આ રીતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ 1-2થી વાપસી કરી છે.
નાગપુર અને દિલ્હીમાં જોરદાર જીત બાદ ઈન્દોરમાં ટર્નિંગ વિકેટ મળતાં ભારતીય ખેલાડીઓ ખુશ હતા પરંતુ અહીં ઓસ્ટ્રેલિયાએ અહી વળતો પ્રહાર કર્યો હતો. ભારતનો પ્રથમ દાવ 109 રનમાં સમેટાઈ ગયો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાએ 197 રન બનાવ્યા હતા. 88 રનની નોંધપાત્ર લીડ બાદ ઓસ્ટ્રેલિયાએ ભારતનો બીજો દાવ 163 રનમાં સમેટીને મોટી સફળતા હાંસલ કરી હતી.
ભારતીય ટીમની ઈનિંગની સાથે બીજા દિવસની રમત પણ પૂરી થઈ ગઈ હતી. ત્રીજા દિવસે ભારતીય સ્પિનરો પાસેથી કરિશ્માની અપેક્ષા હતી. શરૂઆત સારી હતી પરંતુ પરિણામ વધુ સારું ન હતું. ઈનિંગની પહેલી જ ઓવરના બીજા બોલ પર રવિચંદ્રન અશ્વિને ઓપનર ઉસ્માન ખ્વાજાને કેએસ ભરતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અહીં ખ્વાજાએ ડીઆરએસ લીધું, પરંતુ ટીવી રિપ્લેમાં બોલ બેટને સ્પર્શતો જોવા મળ્યો. આથી તે ખાતું ખોલાવી શક્યો ન હતો.
આ પછી અશ્વિન અને જાડેજાએ બંને છેડેથી બોલિંગ શરૂ કરી હતી. ભારતીય ચાહકોને આશા હતી કે જો આવી વધુ વિકેટો પડી તો પ્રથમ દાવમાં 11 રનમાં 6 વિકેટ ગુમાવનાર ટીમ દબાણમાં આવી શકે છે. જોકે, એવું કંઈ થયું ન હતું. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને સ્પિનની મુવમેન્ટ પર શોટ મારવાનું શરૂ કર્યું.
ટ્રેવિસ હેડે આક્રમક રીતે 53 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 49 રન ફટકાર્યા હતા, જ્યારે માર્નસ લાબુશેન 58 બોલમાં 6 ચોગ્ગા સાથે 28 રન બનાવીને બીજા છેડે અણનમ પાછો ફર્યો હતો. અશ્વિનના નામે માત્ર એક જ વિકેટ રહી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ જબરદસ્ત વાપસી કરી છે.
			

                                
                                



