અમેરિકાના ટેનેસી રાજ્યના નેશવિલે શહેરમાં આવેલી એક ક્રિશ્ચિયન સ્કૂલમાં ઓડ્રી હેલ નામની 28 વર્ષની મહિલાએ ફાયરિંગ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગમાં 6 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ વિદ્યાર્થીઓનો પણ સામેલ છે. ગોળી વાગવાથી તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને મોનરો કેરલ જુનિયર ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.
હુમલા બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને 15 મિનિટમાં જ હુમલાખોર મહિલાને ઠાર મારી હતી. રિપોર્ટ મુજબ, જે શાળા પર હુમલો કરવામાં આવ્યો હતો તેનું નામ ધ કોવેનન્ટ સ્કૂલ જણાવવામાં આવી રહ્યું છે. ઘટના બાદથી મોટી સંખ્યામાં પોલીસ જવાનો ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે. નેશવિલે પોલીસના પ્રવક્તા ડોન એરોને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આરોપી પાસે બે રાઈફલ અને એક હેન્ડ ગન હતી. પોલીસે જણાવ્યું કે ઓડ્રી હેલ ટ્રાન્સજેન્ડર હતી. તેનો જન્મ છોકરી તરીકે થયો હતો, પરંતુ તેની લિંક્ડઈન પ્રોફાઇલ મુજબ, તે પોતાને પુરૂષ તરીકે આઈડેંટિફાઈ કરતી હતી અને પુરુષની જેમ જ રહેતી હતી. જો કે પોલીસે આ અંગે વધુ માહિતી આપી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે આ જ સ્કૂલની જ પૂર્વ વિદ્યાર્થિની હતી.
પોલીસને તેની પાસે સ્કૂલના નકશા મળી આવ્યા છે અને તે ઘણા દિવસોથી સ્કૂલનો સર્વે પણ કરી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેની પાસેથી મળી આવેલા કેટલાક કાગળોમાં લોકેશનનો ઉલ્લેખ મળ્યો હતો, પરંતુ ત્યાં હાઈ સિક્યુરિટી હોવાથી હુમલો ન કરવાનો નિર્ણય લેવાયો હતો.